જામનગરમાં ફ્લાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ હટાવાયા
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા સિટી પોલીસ દ્વારા ઝૂંપડા-પથારાનો માલ સામાન જપ્ત કરાયો
જામનગર ના જુના રેલવે સ્ટેશન નજીક નવા બની રહેલા ફ્લાયઓવર ની નીચે સંખ્યાબંધ ઝુપડાઓ ખડકાઈ ગયા હોવાથી અને ન્યુસન્સ ફેલાવતા હોવાથી આજે સવારે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક બન્યું હતું, અને પોલીસ ટીમની મદદ લઈને ભારે સંઘર્ષ બાદ અનેક ઝૂંપડા સહિતના માલ સામાનને જપ્ત કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે.
જામનગરમાં અંબર ચોકડી નજીક જુના રેલ્વે સ્ટેશન પાસેના વિસ્તારમાં નવા બંધાઈ રહેલા ફલાય ઓવર બ્રિઝ નીચે છેલ્લા કેટલાક સમયથી ઝુપડાઓ ખડકાઈ ગયા છે અને ત્યાં ઝુપડાવાસીઓ ન્યુસન્સ ફેલાવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. કેટલાક શખ્સો દ્વારા દેશી દારૂૂની પણ પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો મળ્યા પછી આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને સિટી બી. ડિવિઝન ની પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને એકી સાથે 40 જેટલા દબાણ કર્તાઓના ઝુંપડા વગેરે ખસેડી લેવામાં આવ્યા છે, અને તેઓનો તમામ માલસામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે.
આ કામગીરી વખતે ભારે સંઘર્ષ થયો હતો, અને ઝુપડાવાસીઓ ભારે દ્વારા દેકારો કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા ની ટીમ દ્વારા કોઈપણ પ્રકારની મચક આપ્યા વિના તમામનો સમાન જપ્ત કરીને જુદા જુદા વાહનો મારફતે મહાનગરપાલિકાની કચેરીમાં લઈ જવાયો છે, અને ઓવરબ્રિઝ નીચે નો હિસ્સો ખુલ્લો કરાવવામાં આવી રહ્યો છે.
