CMના સંબોધન સમયે જ ભાજપના 40 MLA ગાયબ
વિધાનસભાના અંતિમ દિવસે દંડકની સૂચનાનો ઉલાળિયો થતા ભાજપ હાઇકમાન્ડ પણ નારાજ, ખુલાસા પૂછાય તેવી શકયતા
ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે મુખ્યમંત્રીના સંબોધનમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા દંડકના આદેશ છતાય ભાજપના જ 40 ધારાસભ્યો અને કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગેરહાજર રહેતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને ભાજપના હાઇકમાન્ડે આ બાબતની ગંભીર નોંધ લીધી છે.
ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે મુખ્યમંત્રીના સંબોધન દરમિયાન ભાજપના જ 40 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. દંડકના આદેશનું ઉલ્લંઘન કરીને ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. દંડકે તમામ ધારાસભ્યોને મુખ્યમંત્રીના સંબોધનમાં હાજર રહેવા સૂચના આપી હતી, પરંતુ ભાજપના જ ધારાસભ્યોએ આ સૂચનાનું ઉલ્લંઘન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીના સંબોધનમાં કોંગ્રેસના પણ તમામ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.
ભાજપના ધારાસભ્યોની ગેરહાજરીની ભાજપ હાઇકમાન્ડે પણ ગંભીર નોંધ લીધી છે અને તમામનો ખુલાસો પુછાય તેવી શકયતા દર્શાવાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસની ગાથા અને 2047 સુધીના વિકસિત ગુજરાતનું વિઝન સ્પષ્ટ કરતા કહ્યું કે, વિકાસની વાતો નહીં, વિકાસ વાતોમાં નહીં નક્કર અને વાસ્તવિક વિકાસના મંત્ર સાથે વિકસિત ભારત2047 માટે વિકસિત ગુજરાત2047ને ચરિતાર્થ કરવા ગુજરાતે કમર કસી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047ના નિર્માણ માટે જે સંકલ્પ કર્યો છે તેને પાર પાડવામાં ગુજરાત પ્રતિબદ્ધ છે.
વડાપ્રધાનના આ સંકલ્પને પાર પાડવા માટે ગુજરાતે ભાવિ વિકાસની દિશા તય કરીને 7 કરોડ ગુજરાતીઓના સપના-આકાંક્ષાઓ મૂર્તિમંત કરવા માટે વિકસિત ગુજરાત2047 રોડમેપ કંડાર્યો છે.
મુખ્યમંત્રીએ વિધાનગૃહમાં વિકસિત ગુજરાત2047 માટે રોડમેપની છણાવટ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીના થયેલા અવિરત વિકાસને પાયામાં રાખીને આ ડોક્યુમેન્ટમાં આગામી 25 વર્ષ માટે રાજ્યના ભાવિ વિકાસના લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે. એટલું જ નહિ, આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો, આવકના સ્ત્રોત સૌને ઉપલબ્ધ કરાવીને દરેક પરિવારની આર્થિક સમૃદ્ધિને અર્નિંગ વેલ અને લિવિંગ વેલથી સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય પણ રાખ્યું છે.
વિકસિત ગુજરાતના નિર્માણ માટે આગામી પાંચ વર્ષ માટે 50 હજાર કરોડ રૂૂપિયાનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાત આ વર્ષના બજેટમાં કરી છે તેનો મુખ્યમંત્રી ઉલ્લેખ કર્યો હતો.
વિકસિત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારના પ્રયાસો વર્ણવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં ઉદ્યોગ-ધંધા, વેપાર, રોજગારની સમાન તકો સુનિશ્ચિત કરી છે. ગ્યાન એટલે કે ગરીબ, અન્નદાતા, યુવાનો અને નારીશક્તને કેન્દ્ર સ્થાને રાખીને તેમના સર્વાંગી વિકાસ સાથે અર્થતંત્રના પાયાના ક્ષેત્રોના વિકાસ પર ફોકસ કર્યુ છે.