હિરાસર એરપોર્ટમાં 4 આતંકવાદી ઘુસ્યા, 3 ઠાર મરાયા
SOG, CISF દ્વારા એકને જીવતો પકડી લેવાયો, બોમ્બ ડીફ્યુઝ કરાયા, ભારે ક્વાયતના અંતે મોક્ડ્રીલ જાહેર કરાતા હાશકારો
શહેરની ભાગોળે આવેલા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ચાર આતંકવાદીઓ ઘાતક હથિયારો સાથે ઘુસી જતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવને પગલે એસઓજી, ક્યુઆરટી, એરપોર્ટ ઓથોરીટી અને સીઆઇએસએફના જવાનોએ મોરચો સંભાળી આતંકવાદીઓના મનસુબાને નિષ્ફળ બનાવ્યો હતો અને ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જ્યારે એકને જીવતો પક્ડી પાડ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ સ્વતંત્રના દિવસના બે દિવસ અગાઉ જ રાજકોટના હિરાસર એરપોર્ટના સીઆઇએસએફ સ્ટાફ દ્વારા શંકાસ્પદ ગાડીમાં ચાર આતંકવાદીઓ બેરીકેડ તોડી એરપોર્ટ વિસ્તારમાં ઘુસી ગયા હતા. જેમની પાસે ઘાતક હાથિયારો હોય અને તેમને અટકાવતા સામ-સામે ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જે અંગે જાણ કરતા એસઓજી, બીડીડીએસ, ડોગ સ્કવોડ અને ક્યુઆરટીની ટીમોએ તાત્કાલીક દોડી જઇ સીઆઇએસએફના જવાનો સાથે મોરચો સંભાળી લીધો હતો. બે આતંકવાદી પાર્કિંગના ભાગે તથા બે આંતકવાદી પાર્કિંગમાં આવેલા શૌચાલયમાં ઘુસી ગયા હતા.
જેથી એસઓજી અને ક્યુઆરટીની ટીમે શૌચાલયમાં ઘુસેલા બે આંતકવાદી પૈકી એકને ઠાર મારવામાં આવ્યો હતો. જ્યારે બીજાને જીવતો પકડી લેવાયો હતો. આ ઉપરાંત પાર્કિંગમાં ઘુસેલા બંને આતંકવાદીઓને સીઆઇએસએફ ટીમ દ્વારા ઠાર મારવામાં આવ્યા હતા. બાદમાં આંતકવાદીઓની ગાડીમાં રહેલા વિસ્ફોટક પદાર્થોને બીડીડીએસ ટીમ દ્વારા ડીફ્યુઝ કરી નાખવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જો કે કાર્યવાહીના અંતે તંત્ર દ્વારા મોકડ્રીલ જાહેર કરાતા મુસાફરોને રાહતનો શ્ર્વાસ લીધો હતો.
ઉડ્યન સુરતી સંસ્કૃતિ સપ્તાહ અને સ્વતંત્રતા દિવસને ધ્યાને લઇ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને એરપોર્ટ ઓથોરીટી દ્વારા આતંકવાદી હુમલાઓ સામે તકેદારીના ભાગરૂપે કાર્યક્ષમતા અને ઓપરેશનલ સજ્જતાને ચકાસવા ટેરરીસ્ટ એટેક એટ સીટી સાઇડ થીમ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.