એક જ પરિવારના 4 સભ્યોએ ઝેર પીધું
પડોશીએ ચોરીનું આળ મુકતા સામૂહિક આપઘાતનો પ્રયાસ: ભાવનગર જિલ્લાના મહુવામાં બનેલી ચકચારી ઘટના
ભાવનગર જિલ્લાના મહુવામાં ધાવડી ચોક લુહાર શેરમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોએ તેમના પર ચોરીનો આરોપ થતાં થયેલી પોલીસ કાર્યવાહીથી લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમને પ્રથમ મહુવા બાદ ભાવનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ધાવડી ચોક લુહાર શેરી ખાતે રહેતા વિનોદભાઈ બાબુભાઈ મકવાણા (ઉ.વ.50), વિલાસબેન કમલેશભાઈ મકવાણા (ઉ.વ.45), સન્નીભાઈ મુળજીભાઈ પરમાર (ઉ.વ.30) અને કમલેશભાઈ મુળજીભાઈ પરમાર (ઉ.વ.27) એ પોતાના ઘરે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમને સારવાર માટે પ્રથમ મહુવાની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારના ચાર સભ્યોએ એકી સાથે ઝેરી દવા પીવા મામલે સન્નીભાઈએ જણાવ્યું હતું કે, તેમના ઘરની બાજુમાં ચોરી થઈ હતી. જે ચોરી અમે કરી હોવાનો ખોટો આક્ષેપ થયો હતો. તેથી પોલીસ અવારનવાર પુછપરછ, મારી અને ઘરે આવી ચોરીનો માલ આપી દો તેવી માંગણી કરતા હતા અને તેનાથી લાગી આવતા તેમણે આ પગલું ભર્યું હતું. જ્યારે આ મામલો તપાસનો વિષય છે અને તપાસ બાદ આગળની કાર્યવાહી થશે તેમ મહુવા પીઆઈએ જણાવ્યું હતું.