દ્વારકા ગોમતી ઘાટમાં 4 યુવતી ડૂબી, ત્રણને બચાવી લેવાઈ, એકનું મોત
ગુજરાત મિરર, દ્વારકા તા. 5 યાત્રાધામ દ્વારકા ખાતે જગત મંદિરની બાજુમાં આવેલ પવિત્ર ગોમતિ નદીના ગોમતિઘાટમાં ન્હાવા પડેલી ચાર યુવતિઓ આજે બપોરે ડૂબી જતાં ઘાટ ઉપર ભારે અફડાતફડી મચી જવા પામી હતી અને ઉપસ્થિત લોકોએ તેમજ તરવૈયાઓએ ચાર પૈકી ત્રણ યુવતિઓને બચાવી લીધી હતી. જ્યારે એક યુવતિનું ડૂબી જવાતી મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી મુજબ દ્વારકાની ગોમતિ નદીના ઘાટમાં આજે બપોરે જામનગરથી દ્વારકા આવેલી ચાર યુવતિઓ ન્હાવા પડી હતી. તે દરમિયાન એક યુવતિ ઉંડા પાણીમાં ખેંચાઈ જતાં તેને બચાવવા ગયેલી અન્ય ત્રણ યુવતિઓ પણ ઉંડા પાણીમાં ગરક થઈ ગઈ હતી. આ સમયે બારે દેકારો મચી જતાં કેટલાક યાત્રીકોએ પાણીમાં ડૂબી પડી યુવતિઓને બચાવવા પ્રયાસ કર્યા હતાં. તેમાંથી ત્રણ યુવતિઓને બચાવી લેવામાં સફળતા મળી છે. જ્યારે એક યુવતિનું ડૂબી જવાંથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.
આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓ તેમજ સ્થાનિક નગરસેવકો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને મૃતક યુવતિના મૃતદેહનું સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી તેના પરિવારને સોંપવા જરૂરી પ્રક્રિયા શરૂ કરી છે.