For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીરમાં સિંહોની મિજબાની માટેના પ્રાણીઓમાં 37 ટકાનો વધારો

12:02 PM Feb 07, 2025 IST | Bhumika
ગીરમાં સિંહોની મિજબાની માટેના પ્રાણીઓમાં 37 ટકાનો વધારો

2.13 લાખ પ્રાણીઓ ઉપલબ્ધ : રાજ્યસભામાં પરિમલ નથવાણીએ પૂછેલા જવાબમાં મંત્રીએ જાહેર કરેલા આંકડા

Advertisement

ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે. ગીરમાં સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1,55,659થી વધીને 2024માં 2,13,391 થઈ છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે આજરોજ રાજ્યસભામાં સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉપરોક્ત માહિતી પૂરી પાડી હતી.

મંત્રીના નિવેદન મુજબ શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની વસ્તીને વધારવા અને લાંબા ગાળા માટે તેને ટકાવવા માટેની મુખ્ય પ્રજાતિઓ જેમ કે હરણ અને સાબરના સંવર્ધન કેન્દ્રોને વ્યૂહાત્મક રીતે સ્થાપિત કરવામાં આવ્યા છે. શાકાહારી પ્રાણીઓના વસ્તી વધારાના વલણો પર નજર રાખવા અને વિસ્તારમાં શિકાર માટે પ્રાણીઓ ઉપલબ્ધ બની રહે તે સુનિશ્ચિત કરવા માટે પધ્ધતિસરનું વસ્તી મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમના નિવેદન મુજબ સાબરના શિકાર માટેના સંવર્ધન કેન્દ્ર ક્રાંગસ, વડવાંગડા, આંબરડી, કિલેશ્વર-1, કિલેશ્વર-2, રામપરા, કરજડા ખાતે અને હરણના શિકાર માટેના સંવર્ધન કેન્દ્રો સતવીરડા અને રામપરા ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે.

Advertisement

પરિમલ નથવાણી ગુજરાતના ગીરમાં સિંહોના શિકાર લાયક એવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા; સિંહોના વિચરણ વિસ્તારોની આસપાસ પૂરતા શિકારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાં; સિંહોની વધતી જતી સંખ્યા અને ગીરની બહાર તેમના સ્થળાંતરને પહોંચી વળવા માટે ગીર અને તેની આસપાસ તૃણાહારી પ્રાણીઓ માટે કોઈ સંવર્ધન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે કે કેમ અને સિંહોના માનવ વિસ્તારોમાં જવાના બનાવો ઘટાડવા અને માનવ-પ્રાણી વચ્ચેના સંઘર્ષને રોકવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો વિશે જાણવા માંગતા હતા.

મંત્રીના નિવેદન મુજબ સિંહોના માનવ વિસ્તારોમાં જવાની ઘટનાઓને ઘટાડવા અને માનવ-પ્રાણી વચ્ચેના ઘર્ષણને રોકવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે, જેમ કે ઊભા પાકના ખેતરોમાં જંગલી પ્રાણીઓના પ્રવેશને રોકવા માટે સૌર સંચાલિત ઇલેક્ટ્રિક ફેન્સ, બાયો-ફેન્સિંગ, બાઉન્ડ્રી વોલ વગેરે જેવા અવરોધો ઊભા કરવા, પસંદગીના સિંહોની હિલચાલ અને વર્તનની પેટર્નનું મૂલ્યાંકન કરવા માટે રેડિયો કોલરિંગ તેમજ સંઘર્ષ વગેરેના કિસ્સામાં માનવ વસ્તીવાળા વિસ્તારોમાંથી પ્રાણીઓને ખસેડવા માટે ટ્રેકર્સ અને બચાવ ટીમો તૈનાત કરવી. તદુપરાંત સંરક્ષિત વિસ્તારો અને સિંહોના અન્ય વસવાટ વિસ્તારોમાં તેમના વસવાટની સ્થિતિમાં સુધારણાના કામો હાથ ધરવામાં આવે છે, માનવ ઇજાઓ કે જાનહાનિ તેમજ પશુઓના મૃત્યુ માટે રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement