37 લાખ રેશનકાર્ડ ધારકોને તુવેરદાળ-ચણા નહીં મળે
અપૂરતો જથ્થો આપવાનો સિલસિલો અવિરત જારી, દુકાનદારોના પ્રશ્ર્નો ઉકેલવા રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશનની રજૂઆત
રાજ્યની 17000 સસ્તા અનાજની દુકાનોમાં ડિસેમ્બર 2024 નાં મહિના માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના મારફત ગરીબ જનતાને આપવામાં આવતી વિવિધ જણસીઓમાં તુવેરદાળ અને ચણાની ફક્ત 50% જ ફાળવણી કરવામાં આવી છે જેના પરિણામે ગુજરાત રાજ્યના 75 લાખ 26 હજાર 123 રાશનકાર્ડ ધારકો માંથી અડધો અડધ રાશનકાર્ડ ધારકો તુવેરદાળ અને ચણા જેવી જણસીઓથી આ વખતે પણ વંચિત રહેશે અને આ ફક્ત ડિસેમ્બર 2024 ના માસ માટે જ નથી લગભગ છેલ્લા ત્રણ વર્ષથી આ સિલસિલો ચાલતો આવે છે કોઈક મહિનો તુવેરદાળ તો કોઈક મહિનો ખાંડ તો કોઈક મહિનો ચણા જેવી વિવિધ જણસીઓથી રાશનકાર્ડ ધારકો ને વંચિત રહેવું પડે છે.
દર પેહલી તારીખે રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર જણસીઓની જાહેરાત સોસ્યલ મીડિયા તેમજ વિવિધ અખબારોમાં પ્રસિદ્ધ કરતી હોય છે પરંતુ એ મુજબનો જથ્થો રાજ્ય સરકારના પુરવઠા ગોડાઉન, સસ્તા અનાજની દુકાને, કે આ વિવિધ જણસીઓના સપ્લાયરો પાસે પણ હોતી નથી. પરિણામે આવી જાહેરાતો વાંચીને રાશનકાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાન ખાતે ઘસારો કરીને વિવિધ જણસીઓની માંગણી કરતા હોય છે સસ્તા અનાજની દુકાન ખાતે અપુરતા જથ્થાની ફાળવણી થયેલ હોવાના કારણે સસ્તા અનાજના દુકાનદારો આ રાશનકાર્ડ ધારકોની માંગણી સંતોષી શકતા નથી અને સસ્તા અનાજના દુકાનદારો અને રાશનકાર્ડ ધારકો વચ્ચે ઘર્ષણ થાય છે.
રાજ્ય સરકાર દ્વારા આયોજન વગર સોશિયલ મીડિયા ની એપ્લિકેશનો અને વિવિધ અખબારો દ્વારા કરવામાં આવતી જાહેરાતોના કારણે આવી વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય છે તુવેર દાળ, ચણા અને ક્યારેક ખાંડ જેવી વિવિધ જણસીઓને કોઈ મહિના માટે 50% ફાળવણી કરવામાં આવે છે ત્યારે વિતરણના કોઈ ધારા ધોરણો નક્કી કરવામાં આવતા નથી હોતા પરિણામે દુકાનદારો દ્વારા વહેલા તે પહેલા ના ધોરણે આવી જણસીઓનુ વિતરણ કરવામાં આવે છે.
ઉપરોક્ત સમસ્યાઓની સાથે સાથે વધારે એક ગંભીર સમસ્યા એ પણ છે કે પુરવઠા નિગમ દ્વારા સસ્તા અનાજની દુકાનો ખાતે ક્યારેય પણ સમયસર જથ્થો પહોંચતો કરવામાં આવતો નથી મહિનાના 15 કે 20 અને ક્યારેક તો 25 ,26 ,કે 27 માં દિવસે અમુક દુકાને જથ્થો પહોંચતો કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન રાશનકાર્ડ ધારકો ને દરરોજ દુકાનના ધક્કા ખાવા પડે છે આ પ્રશ્નો નો યોગ્ય નિવેડો લાવે તેવી રજૂઆત રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે.