યાર્ડમાં મગફળીની 35000 ગુણી, કપાસની 10000 ભારીની આવક
સૌરાષ્ટ્રમાં પડી રહેલા પાછોતરા વરસાદની વચ્ચે રાજકોટ યાર્ડમાં જણસીની આવક વધી
રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં ખરીફ પાકોની આવક શરૂ થઇ છે. આજે યાર્ડમાં મગફળીની 35000 ગુણી અને કપાસની 10000 જેટલી ભારીની આવક થઇ હતી. તમામ આવકને નવા બનાવવામાં આવેલા પતરાના શેડ નીચે ઉતારવામાં આવી હતી.
રાજકોટ માર્કેટ યાર્ડ હાલ સૌરાષ્ટ્રનું અગ્રમી હરોળનું યાર્ડ બની ગયુ છે. મોટા ભાગના ખેડુતો યાર્ડમાં પોતાની જણસી વેંચવા આવી રહ્યા છે. તેમજ ખુલ્લા બજારમાં સારા ભાવ મળતા ખેડુતોનો ઝુકાવ રાજકોટ યાર્ડ તરફ વધ્યો છે. માર્કેટ યાર્ડમાં આજે કપાસની રૂા.1660 સુધીમાં હરરાજી થઇ હતી. જયારે મગફળીનો રૂા.1210 સુધીમાં સોદા થયા હતા. યાર્ડમાં આજે મગફળીની 35000 ગુણી અને કપાસની 10000 ભારી આવક થઇ હતી.
રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં પાછોતરો વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળીયો જુટવાઇ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું હોય જે ખેડૂતોએ કટીંગ કરી લીધું છે તેઓ પોતાની જણસી વહેલી તકે યાર્ડમાં લઇ આવી રહ્યા છે. વરસાદની વચ્ચે યાર્ડમાં આવક પણી વધી છે. વરસાદી માહોલમાં ખેડુતોની જણસી સચવાઇ રહે તે માટે યાર્ડમાં તાજેતરમાં જ નવા શેડું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ યાર્ડમાં આવતી તમામ જણસીની ઉતરાઇશેડ નીચે જ કરાવવામાં આવી રહી છે. યાર્ડ દ્વારા વધારવામાં આવેલી સુવિધાથી ખેડૂતો પણ આનંદ અનુભવી રહ્યા છે.
નવરાત્રીનો તહેવાર પૂર્ણ થયો છે અને દિવાળીનો તહેવાર શરૂ થશે ત્યારે દિવાળી બાદ યાર્ડમાં નવી જણસીની આવકમાં વધારો થશે અને ભાવમાં પણ તેજી આવવાની આશા વેપારીઓ અને ખેડૂતો રાખી રહ્યા છે. દિવાળી બાદ રાજય સરકાર પણ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરશે અને તેના માટે હાલ રજીસ્ટ્રેશનની પ્રક્રીયા ચાલી રહી છે. માવઠાના લીધે પાકને નુકશાન થયું છે જેથી આ સિઝનમાં ગુણવતાયુક્ત જણસીના ભાવ આભને આંબશે તેવું વેપારીઓમાં ચર્ચાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાતમ બાદ મગફળી સતત યાર્ડમાં ઠલવાઇ રહી છે. નવરાત્રી દરમ્યાન આવકમાં વધારો થતા છેલ્લા બે ત્રણ દિવસથી મગફળીની આવક બંધ કરી દેવામાં આવી હતી. આજે ફરીથી આવક શરૂ કરાતાની સાથે જ 35000 ગુણી ઠલવાઇ હતી. આ વર્ષ સૌરાષ્ટ્રમાં પણ મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે.