દ્વારકા જિલ્લામાં લોકઅદાલતમાં 3331 કેસોનો નિવેડો: 4.12 કરોડના હુકમો કરાયા
પેન્ડિંગ કેસોમાં એક જ દિવસમાં 17.34 ટકાનો ઘટાડો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે તૃતીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3331 કેસોનો નિકાલ આવ્યો હતો અને રૂૂપિયા 4.12 કરોડના હુકમો કરવામાં આવ્યા હતા. જેથી એક જ દિવસમાં 17.34 ટકાનો રેકર્ડબ્રેક ઘટાડો નોંધાયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ એચ.એસ. પ્રચ્છકના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદી તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસની સીધી દેખરેખ હેઠળ શનિવારે સમગ્ર જિલ્લામાં તમામ અદાલતોમાં આ વર્ષની તૃતીય રાષ્ટ્રીય લોક અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 1560 કેસો મુકવામાં આવ્યા હતા. તે પૈકી 1492 કેસોનો સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો હતો. જેના કુલ રૂૂ. 3,70,67,699 ના હુકમો કરાયા હતા. જેમાં અદાલતમાં 10 વર્ષ કે તેથી વધુ સમયથી પેન્ડિંગ હોય તેવા 1 સિવિલ કેસ લોક અદાલતના માધ્યમ થી નિકાલ લાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પ્રિ-લીટીગેશન કેસો માટે પ્રિ-લીટીગેશનમાં કુલ 2472 કેસો પૈકી 1724 કેસોના નિકાલમાં રૂૂ. 41,42,026 નો હુકમ થયો હતો.
ઉજાસ - એક આશા ની કિરણ પ્રિ - લિટીગેશન મેટ્રીમોનિયલ ડીસ્પુટ લોક અદાલત અંતર્ગત 135 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી 115 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્રારકા જિલ્લામાં યોજાયેલી લોક અદલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગમાં કુલ 3331 કેસોનો નીવેડો લાવવામાં આવ્યો હતો. જેમાં રૂૂ. 4,12,09,725 ના હુકમો કરાયા હતા. કલ્યાણપુરમાં 483, ઓખામાં 234, ભાણવડમાં 199, અને દ્વારકામાં 233 કેસો ફેસલ કરવામાં આવ્યા હતા. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવની યાદીમાં જણાવાયું છે.