રાજકોટમાં 12 કેન્દ્રો પર તા.25મીએ 3157 વિદ્યાર્થી આપશે UPSCની પરીક્ષા
રાજકોટ ખાતે આગામી 25મી મેના રોજ UPSC( prilim)ની પરીક્ષા યોજાશે. સતત 11 વર્ષથી રાજકોટ આ પરીક્ષાના કેન્દ્ર તરીકે કાર્યરત છે અને આ વર્ષે શહેરના 12 વિવિધ સેન્ટર પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પરીક્ષામાં કુલ 3157 વિદ્યાર્થીઓ ભાગ લેશે. પરીક્ષા બે સેશનમાં યોજાશે. પ્રથમ સેશન સવારે 9:30 થી 11:00 સુધી અને બીજો સેશન બપોરે 2:30 થી 4:30 સુધી ચાલશે. દરેક સેશનમાં એક-એક પેપર લેવામાં આવશે.
પરીક્ષાની તૈયારીના ભાગરૂૂપે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એક સુરક્ષિત સ્ટોર રૂૂમ તૈયાર કરવામાં આવ્યો છે. પરીક્ષા માટેના તમામ પેપર આ સ્ટોર રૂૂમમાં સીલબંધ રાખવામાં આવ્યા છે. આ સ્ટોર રૂૂમ પર 24 કલાક સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
આ ઉપરાંત, કલેક્ટર કચેરી ખાતે ટૂંક સમયમાં એક કંટ્રોલ રૂૂમ પણ શરૂૂ કરવામાં આવશે. આ કંટ્રોલ રૂૂમ દ્વારા શહેરમાં આવેલા તમામ 12 પરીક્ષા કેન્દ્રોનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના પર તાત્કાલિક ધ્યાન રાખી શકાય.
પરીક્ષા દરમિયાન તમામ પ્રાંત અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ તેમના નિયત સેન્ટર પર પરીક્ષાનું સંચાલન સુનિશ્ચિત કરશે. આ સમગ્ર પ્રક્રિયાનું સતત મોનિટરિંગ સ્વયં કલેક્ટર પ્રભવ જોશી દ્વારા પણ કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.