પાલિતાણાના 3 ગામમાંથી 31ના રેસ્કયુ
રેવન્યુ, પંચાયત, ફાયર વિભાગ, પાલિકાના અધિકારીઓ રાતભર દોડતા રહ્યા
ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં ગઈકાલથી શરૂૂ થયેલા વરસાદમાં આઠથી બાર ઇંચ સુધી વરસાદ વરસી ચુક્યો છે ત્યારે ગઈકાલે રાત્રે પાલીતાણા તાલુકાના કુલ ત્રણ અલગ અલગ ગામોએ રેસ્ક્યુ કરવાની જરૂૂરિયાત ઊભી થયેલ હતી જેમાં કુલ 31 જેટલા લોકોને તંત્ર દ્વારા સહી સલામત રેસ્કયુ કરવામાં આવ્યા હતા. જે અન્વયે સેંજળીયા ગામેથી કુલ 19 લોકો, મોખડકા ગામેથી કુલ 11 લોકો તેમજ આકોલાળી ગામેથી 1 વ્યક્તિ એકદમ સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવેલ હતા.
આ રેસ્ક્યુ કામગીરીમાં સેંજળીયા ગામે મામલતદારશ્રી, મોખડકા ગામે તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ આકોલાળી ગામે પી.આઈ.શ્રી રૂૂરલ પો.સ્ટે. દ્વારા ઓપરેશન લીડ કરવામાં આવેલ હતું.
આ કામગીરીમાં રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ, નગરપાલિકા તથા ફાયર વિભાગ, આગેવાનો, ગામ લોકો તથા ખાનગી વાહન માલિકશ્રીઓ રત્નાભાઈ વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ સૌથી મોટી ભૂમિકા સિંચાઈ વિભાગના આશિષભાઈ બાલધીયા દ્વારા જરૂૂર જણાય ત્યાં ડેમના પાણીનું સ્તર ઘટાડીને કે દરવાજા બંધ કરીને પણ પાણીનો પ્રવાહ ઓછો કરવા માટે મહત્વપૂર્ણ પ્રયત્ન કરેલો હતો. આખો રાત પાલીતાણા તાલુકામાં અલગ અલગ સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.