અષાઢી બીજે રાજકોટમાં 306 ભટભટિયા, 75 કાર વેચાઈ
કોર્પોરેશનને 1.13 કરોડની શૂકનવંતી આવક, અન્ય કેટેગરીના 61 વાહનોનું વેચાણ
વણજોયા મુહર્ત અષાઢી બીજે લોકોએ વાહનો અને સોનાની ખરીદી મોટા પાયે કરી હતી. જેના પગલે રાજકોટ આરટીઓમાં 442 નવા વાહનોની ખરીદી નોંધાઈ છે. જ્યારે મનપાની અંદર 280 જેટલા વાહન ચાલકોએ 1.13 કરોડનો ટેક્સ પણ ભર્યો હતો. અષાઢી બીજ વાહન ચાલકો માટે તો સુકનવંતી જ હતી પરંતુ મનપાને અને વાહન ડિલરોને પણ ફળી છે.
આ વર્ષે રાજકોટવાસીઓએ અષાઢી બીજ પર એક દિવસમાં કુલ 442 જેટલા વાહનોની ખરીદી કરી હતી. જેમાં 306 ટુ-વ્હીલર અને 75 જેટલી ફોર વ્હીલરનો સમાવેશ થાય છે. અષાઢી બીજના પાવન દિવસ પર લોકો મહત્વની વસ્તુની ખરીદી કરવી શુકન માને છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટવાસીઓએ વાહનો અને સોનાની અષાઢી બીજના પવિત્ર દિને ખરીદી કરી હતી. રાજકોટ RTO કચેરીએ અષાઢી બીજ પર કુલ 442 જેટલા નવા વાહનોની ખરીદી નોંધાઈ છે. જેમાં 306 ટુ-વ્હીલર, 75 ફોર વ્હીલર, 4 ક્રેઇન, 1 ટ્રેકટર, 5 બાંધકામના વાહનો, 19 થ્રી-વ્હીલર (પેસેન્જર), 4 થ્રી-વ્હીલર (માલવાહક), 21 માલવાહક, 3 ટ્રેકટર (વ્યાપારીક) અને 4 મોટર કેબનું વેચાણ થયા છે.
RTO માં નોંધણી અને નવા વાહનોની ખરીદી પર લાગતા ટેક્સ મામલે રાજકોટ મહાનગરપાલિકાને પણ રૂૂ.1.13 કરોડની આવક નોંધાઇ હતી. મનપાના આંકડા પ્રમાણે કુલ 280 જેટલા વાહન માલિકોએ રૂૂ.5,78,23,163ની ખરીદી પર રૂૂ.11,35,091નો ટેક્સ ભર્યો હતો. જેમાં સૌથી વધુ 234 ટુ-વ્હીલર પર રૂૂ.3,35,457 તોCNG, પેટ્રોલ અને ડીઝલ મળી કુલ 34 ફોર-વ્હીલર પર રૂૂ.7,55,579નો વેરો ભર્યો હોવાનું નોંધાયું છે. ત્યારે ઓટો મોબાઇલના ડીલરોની સાથે કોર્પોરેશનને પણ અષાઢી બીજ ફળી હતી.