For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રામસર સાઈટનો દરજ્જો ધરાવતા ખીજડિયામાં જોવા મળે છે 300 પ્રકારના પંખીઓ

12:22 PM Feb 05, 2024 IST | Bhumika
રામસર સાઈટનો દરજ્જો ધરાવતા ખીજડિયામાં જોવા મળે છે 300 પ્રકારના પંખીઓ

જામનગર નજીક આવેલ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય રામસર સાઇટનો દરજ્જો ધરાવે છે. દર વર્ષે અહીં શિયાળામાં પક્ષી ગણતરી કરવામાં આવે છે. ગત 27 અને 28 જાન્યુઆરી દરમ્યાન વાર્ષિક પક્ષી ગણતરી યોજાઇ હતી આ તકે ખીજડીયા પક્ષી અભ્યારણ્યની મુલાકાત લઇ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આર.એફ.ઓ.)દક્ષાબેન વઘાસીયા સાથે વાર્તાલાપ કરી સમગ્ર પ્રક્રિયા અંગે જાણકારી મેળવી હતી.

Advertisement

આર.એફ.ઓ.નાં જણાવ્યાનુસાર છેલ્લા દોઢ દાયકાથી દર વર્ષે વાર્ષિક પક્ષી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનામાં આ કામગીરી કરવામાં આવે છે. જેમાં અભ્યારણ્યનાં કર્મચારીઓ, મરીન નેશનલ પાર્ક, વન વિભાગ સહિત ત્રણેય પાંખનાં લોકો અને પક્ષીવિદો સામેલ થતા હોય છે. વર્ષ 2024 માં પ્રથમ વખત રાજ્યકક્ષાએ પક્ષી ગણતરી થઇ રહી છે અર્થાત રાજ્યભરની અગત્યની વેટલેન્ડ સાઇટ પર આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ખીજડીયા અભ્યારણ્યમાં 6.5 ચો.કિ.મી. વિસ્તારમાં આ વખતે 11 ઝોન બનાવી ઝોન વાઇઝ ટીમ બનાવવામાં આવી હતી જેમાં પ્રત્યેક ટીમમાં સરેરાશ 5-6 સભ્ય હતાં. ટીમો દ્વારા 3 કલાકમાં મહત્તમ વિસ્તાર આવરી લઇ પક્ષીઓની નોંધણી કરવામાં આવે છે. બે વખત ગણતરી કરી સરેરાશનાં આધારે અડધા પક્ષીઓ ગણનાપાત્ર ઠરે છે એ પદ્ધતિ મુજબ કાર્ય થાય છે.

જે પક્ષી બેઠા હોય એ જ કાઉન્ટ કરવામાં આવે છે. ઉડતા દેખાય એ પક્ષીઓ ફક્ત રીમાર્ક તરીકે નોંધવામાં આવે છે. કોઇ લુપ્ત થતી પ્રજાતિનું પક્ષી જોવા મળે તો તેની અલગ નોંધ કરવામાં આવે છે જેમ કે આ વખતે ઓસ્ટ્રોકેચર નામનું પક્ષી નજરે ચડ્યું હતું જે સામાન્ય રીતે અહી જોવા મળતું નથી.

Advertisement

ડિજીટલ ઇન્ડિયાનાં યુગમાં પક્ષી ગણતરીનાં આંકડાઓ ઇ-બર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવાનાં હોય છે. ગીર ફાઉન્ડેશન- વેટલેન્ડ ઓથોરીટી દ્વારા તેને અધિકૃત કરી અભ્યાસ કરવામાં આવે છે. ઉપલબ્ધ આંકડાઓને આધારે રિસર્ચ પેપર બહાર પાડવામાં આવે છે.

આર.એફ.ઓ. દક્ષાબેનનાં જણાવ્યાનુસાર અભ્યારણ્યમાં પક્ષીઓનાં ચરક વગેરેનાં સેમ્પલ પણ એકત્ર કરવાની કામગીરી પણ થાય છે. ખાસ કરીને વિદેશથી આવેલા યાયાવર પક્ષીઓનાં ચરકનાં સેમ્પવ ખાસ લેવામાં આવે છે અને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. આ કામગીરીથી બર્ડ ફ્લૂ જેવી ભયાનક ચેપી બીમારી ફેલાતી અટકાવી શકાય છે. જો કોઇ સેમ્પલ પોઝિટીવ આવે તો દેશભરનાં પક્ષી અભ્યારણ્ય તાત્કાલિક બંધ કરી દેવામાં આવે છે. વર્ષ 2021 માં રાજસ્થાનમાં બર્ડ ફ્લૂ ડિટેક્ટ થતા પક્ષી અભ્યારણ્યો બંધ કરી દેવામાં આવ્યા હતાં.

ખીજડીયામાં વિવિધ 6-7 પ્રકારની ઇકો સિસ્ટમ હોવાથી દરેક પ્રકારનાં પક્ષીઓ અહી આવે છે.કાળી ડોક ઢોંક નામનાં પક્ષીને ’કિંગ ઓફ ખીજડીયા’ કહેવામાં આવે છે કારણકે તેને કારણે જ ખીજડીયાને અભ્યારણ્ય તરીકેની માન્યતા મળી છે. ગ્રાસલેન્ડ, વેટલેન્ડ, ફોરેસ્ટ વગેરેમાં રહેતા પક્ષીઓ, શિકારી પક્ષીઓ વગેરે સેંકડો પ્રજાતિનાં પક્ષીઓ અહી જોવા મળે છે. ગત વર્ષની પક્ષી ગણતરીનાં આંકડા પર નજર કરીએ તો ગત વર્ષે અહી પોણા ત્રણસો થી ત્રણસો જેટલી પ્રજાતિનાં કુલ 1,30,000 જેટલા પક્ષીઓ જોવા મળ્યા હતાં. આ વર્ષે પક્ષી ગણતરીનાં આંકડાઓ વધુ સમૃદ્ધ બને એવી આશા છે.શિયાળામાં અભ્યારણ્યમાં પ્રાકૃતિક શિક્ષણ શિબિરોનું પણ આયોજન થતું રહે છે. જેમાં બે દિવસ અને એક રાતનાં કેમ્પ હોય છે અને શિબિરાર્થીઓ માટે રહેવા - જમવાની તથા ચા-કોફીની નિ:શૂલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે. સ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે આવા કેમ્પ ખૂબજ રસપ્રદ, જ્ઞાનવર્ધક બની રહે છે. દિવાળી વેકેશન પછી ખૂલતા શૈક્ષણિક સત્ર પછી ફેબ્રુઆરી મહિના સુધી લગભગ અઢી મહિના આવા કેમ્પ યોજાતા રહે છે. જે માટે શૈક્ષણિક સંસ્થાઓ ઓફલાઇન એપ્લિકેશન કરી શકે છે. કેમ્પમાં કેમ્પ ફાયર, ટ્રેકીંગ, આકાશ દર્શન સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. 31 જાન્યુઆરીએ આ મોસમનો છેલ્લો કેમ્પ સંપન્ન થયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement