સુદામડા ગામે છાશ પીધા બાદ 300 લોકોને ફૂડ પોઈઝનિંગ
માતાજીના માંડવામાં પ્રસાદી અને છાશ લીધા બાદ તબિયત લથડી, આરોગ્ય તંત્રમાં દોડધામ: લીંબડી ડેપ્યુટી કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ રાત્રે સુદામડા દોડી ગયા
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે ધાર્મિક પ્રસંગમાં જમણવાર બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. એક જ્ઞાતિના ધાર્મિક પ્રસંગમાં ઘટના બની. ખોરાકી ઝેરની અસર પામેલા લોકોથી દવાખાના ઉભરાયા. સુદામડા, ધાંધલપુર, સાયલા સહિતની સરકારી, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરાયા.
ખોરાકી ઝેરની અસરમાં બાળકો વધુ ભોગ બન્યા. સાયલા તાલુકાના તમામ આરોગ્ય સ્ટાફને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યો. લીંબડી ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ સુદામડા દોડી ગયા. આરોગ્ય વિભાગ દ્વારા ચાર ટીમો સાથે એમ્બ્યુલન્સનો કાફલો સુદામડા ખડકી દેવાયો. લીંબડી ડેપ્યુટી કલેક્ટર દ્વારા આ બાબતે જણાવ્યું કે, આજરોજ સુદામડા ગામમાં બપોરના સમયે માતાજીનો પ્રસંગ હતો ત્યાં જમણવારમાં કોઈ ફૂડ પોઈઝનિંગ થયું હશે જેના કારણે ઘણા લોકો બિમાર પડ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 200 લોકોએ સુદામડા પીએચસી છે ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા અને બધાને પ્રાથમિક સારવાર આપવામા આવી છે. જેમાંથી કોઈ સિરીયસ નથી એટલે કોઈને અન્ય જગ્યાએ ખસેડવામાં નથી આવ્યા.
અમુક લોકોએ ખાનગી દવાખાનામાં સારવાર કરાવી. હાલમાં પીએચસી ખાતે 10 થી 20 જેટલા લોકો દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ 200 થી 300 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. 6 જેટલા મેડિકલ ઓફિસર હાજર છે તેમજ 3-4 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સુરેન્દ્રનગર તેમજ લીંબડી હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ખોરાકી ઝેરની અસરથી હાલ સુધી કોઈ જાનહાની નથી.
આ મામલે આરોગ્ય તંત્રએ તપાસ કરતા સુદામડા ગામે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યાં પ્રસાદી પણ રાખવામાં આવી હતી. ગ્રામજનોએ જમ્યા બાદ છાસ પીતા તેઓની તબીયત લથડી હતી. જેમાં અંદાજીત 300 જેટલા લોકોને ફૂડ પોઈઝીંગની થયું હતું.