30 કરોડની જમીનનો બોગસ સોદો કરી 1.90 કરોડ પડાવી લીધા
અટલ સરોવરની બાજુમાં આવેલી સોનાની લગડી જેવી પાંચ એકર જમીનનો બોગસ માલિક ઊભો કરી ફરસાણના વેપારીને શીશામાં ઉતાર્યો, ત્રણ ચીટર સામે ગુનો નોંધાયો
શહેરના અટલ સરોવર પાસે આવેલી ઘંટેશ્ર્વરના જમીન માલીકની 30 કરોડની જમીનનો બોગસ સોદો કરી જમીન દલાલ સહિત ત્રણ શખ્સોએ રૂા.1.90 કરોડ પડાવી લીધાના બનાવમાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જમીનના મુળ માલીકના બદલે નકલી વ્યક્તિના નામે સાટાખત કરીને ફરસાણાના વેપારીને ચીટર ટોળકીએ શિશામાં ઉતાર્યો હતો. આ મામલે પોલીસે આ ચીટર ટોળકીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ, રૈયા રોડ પર હનુમાન મઢી પાસે તિરૂપતિનગર-2માં રહેતા અને હનુમાન મઢી પાસે મુરલીધર ફરસાણ નામે દુકાન ચલાવતાં જમીન લે-વેચનું કામ કરતાં ભુપતભાઈ ગોવિંદભાઈ ઠુંમરે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જમીનના દલાલ મનીષ કચરા દેત્રોજા તેમજ તેની સાથેના રવિ વાઘેલા અને શૈલેષ તેમજ જમીનના મુળ માલીકનું નામ ધારણ કરીને આવેલા શખ્સનું નામ આપ્યું છે.
ફરસાણના વેપારી ભુપતભાઈને જમીન લેવી હોય જેથી જમીનના દલાલ મનીષ સાથે વાતચીત કરી હતી અને મનીષ રૈયા રોડ પર આવેલી મુરલીધર ફરસાણ નામની ભુપતભાઈની દુકાને મળવા ગયો હતો તેણે વેજા ગામની એક જમીન બતાવી હતી જે ભુપતભાઈને પસંદ આવી ન હતી. ત્યારે અઠવાડિયા પછી મનિષ અટલ સરોવર પાસે તેના મિત્રના મામાની જગ્યાનો સોદો થયો હોય અને તે જમીન સસ્તા ભાવે વેચવાની હોવાની વાત કરી હતી.
આ જમીનના માલીક ઘંટેશ્ર્વરના ઘુસાભાઈ ઘેલાભાઈ સિતાપરા હોય અને તેનો ભાણેજ શૈલેષ જે મનીષ સાથે જમીનની વાત કરવા માટે આવ્યો હતો અને શૈલેષભાઈ મારફતે મનીષે આ જમીન છ કરોડના એકરના ભાવમાં સોદો કર્યા બાદ ટોકન આપ્યું હોય પરંતુ મનીષથી હવે બાકીની રકમ આપી શકાય તેમ ન હોય તેથી હવે આઠ કરોડ એકરના ભાવે પાંચ એકર જગ્યા જેની કુલ કિંમત 30 કરોડ થાય તે વેચવાની વાત કરી હતી. અટલ સરોવર પાસે આવેલી આ જગ્યા જોવા માટે ભુપતભાઈ, મનીષ અને શૈલેષ ત્રણેય ગયા હતાં.
અને જમીન પસંદ આવતાં કાગળો માંગતા 7,12 તથા 8-અની ખરી નકલ આપી હતી. જેમાં જમીનના માલીક ઘુસાભાઈ ઘેલાભાઈ સિતાપરાનું નામ હોય બાદમાં જમીનના માલીક ઘુસાભાઈનું આધારકાર્ડ, પાનકાર્ડની નકલ દુકાને આવી શૈલેષ અને મનીષ આપી ગયા હતાં. સોદો નક્કી થયા મુજબ દોઢ વર્ષમાં રૂા.30 કરોડ આપવાના અને સાટાખતની વાત કરી હતી તે વખતે બે કરોડ આપવાની વાત કરતાં સપ્તાહનો સમય ભુપતભાઈએ માંગ્યો હતો બાદમાં ગત તા.13-9-2023નાં રોજ ભુપતભાઈએ આ જમીનનું સાટાખત કર્યુ હતું ત્યારે ભુપતભાઈ પક્ષે તેમના જમાઈ પ્રિતેશ ગીરધર ખુંટ તથા મિત્ર મોસીન સાથે રહ્યા હતાં. જ્યારે સામા પક્ષે મનીષભાઈ, શૈલેષભાઈ તથા રવિભાઈ તેમજ જમીન માલીક ઘુસાભાઈ સિતાપરા એમ ચારેય ત્યાં આવ્યા હતાં અને સાટાખત કરી આપ્યું હતું. આ જમીનના સોદા પેટે રૂા.5,21,35000માં સોદો થયો હતો અને એક કરોડ સુથી પેટે આપવાનું નક્કી થયું જેમાં 50 લાખનો ચેક અને 50 લાખ રોકડા આપવાના હતાં પરંતુ મનીષે ચેકની ના પાડતાં રોકડા આપવાની વાત થઈ હતી અને બે ચેક 10-10 લાખના આપ્યાહતાં. જે બીજુ પેમેન્ટ આપે ત્યાં સુધી રાખવાની વાત કરી હતી ત્યારબાદ કુલ 6 કટકે રૂા.1.90 કરોડ આપ્યા હતાં. અને ચેક પાસા મેળવી ભુપતભાઈએ સાટાખત મુજબ છ માસ બાદ દસ્તાવેજ કરવાનો હતો અને દોઢ વર્ષમાં પેમેન્ટ પુરૂ કરવાનું નક્કી થયું હતું.
ચાર મહિના પહેલા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે ટવીન ટાવરમાં વોર્ડ નં.3ના કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા અને તેમના મિત્ર મયુર રાદડિયાની ઓફિસે ભુપતભાઈ ગયા ત્યારે આ જમીન બાબતની વાતચીત કરતાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ આ જમીન ઘુસાભાઈએ મને વેચવાની ના પાડી હોય તો તમને કયારે વેચી ? આ પ્રશ્ર્ન બાબતે પોતાના ઘરેથી સાટાખત મંગાવતાં તે સાટાખતમાં જે ફોટો લગાડેલો હતો તે ઘંટેશ્વરના ઘુસાભાઈનો નહીં હોવાનું નરેન્દ્રસિંહએ જણાવતાં ભુપતભાઈએ આ બાબતે મનીષને ફોન કરીને રૂબરૂ મળવા બોલાવ્યો ત્યારે ખોટી રીતે જમીન વેચેલ હોવાની વાત જાણી ગયા બાદ મનીષે આ વાત કોઈને નહીં કરવા અને પોતાની ટંકારાના બંગાવડી ગામની જમીન વેચીને રૂા.1.90 કરોડ પરત આપી દેવાની વાત કરી હતી. પરંતુ રૂપિયા પરત નહીં અપાતા આ મામલે ભુપતભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મૂળ માલિકના બદલે ડુપ્લિકેટ મારફતે જમીનના સોદા કરવાનો નવો કીમિયો
ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી ભુમાફીયાઓમાં જમીન કૌભાંડ માટે નવો કિમીયો અજમાવવામાં આવ્યો છે. જેમાં જમીનના મુળ માલિકને અંધારામાં રાખી તેના હમસકલ કે પછી કોઈ અન્ય વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજો ઉભા કરી જમીન કૌભાંડ આચરવામાં આવે છે. સુરતમાં પારસીની 100 કરોડની જમીન બારોબાર વેચવા માટે આ જ મોડસ ઓપરેડીંગનો ઉપયોગ થયો હતો તેમજ અમદાવાદમાં તાજેતરમાં જમીન માલીકના ડુપ્લીકેટ મારફતે કરોડોની જમીન બારોબાર વેચી નાખવાનો કારસો રચાયો હતો. આવા બનાવોમાં ઘણી વખત ભળતા નામ કે ચહેરા વાળા વ્યક્તિના મારફતે ભુમાફીયાઓ કરોડોની જમીન બારોબાર વેચી નાખે છે. આવા બનાવોમાં હવે પોલીસ અને વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે. ગુજરાતમાં આ પ્રકારનાં જમીન કૌભાંડનો આ ત્રીજો કિસ્સો સુરત, અમદાવાદ અને રાજકોટમાં નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.