રાજકોટમાંથી વધુ 3 બાંગ્લાદેશી ઘુસણખોરો પકડાયા, કેન્દ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા પૂછપરછ
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ હોય ભારતમાં ગેરકાયદે રીતે ઘુસી આવેલા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા પોલીસને સુચના આપ્યા બાદ રાજકોટમાં ગેરકાયદે રીતે ઘુસી આવેલ બાંગ્લાદેશના નાગરિકો સામે કાર્યવાહી કરી 10ને ઝડપી લીધા બાદ બીજા દિવસે પણ તપાસ ચાલુ રાખી હતી જેમાં વધુ ત્રણ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા હતા.
જેની પાસે પૂરતા ઓળખ ના પુરાવા ન હતા આ તમામની એસઓજી ઉપરાંત કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા પણ વધુ પુછપરછ હાથ ધરાઈ છે. જેમાં ભારતમાં કઈ રીતે ઘુસ્યા અને બોર્ડર ક્રોસ કરાવવામાં કોણે મદદ કરી તે સહિતની બાબતો ઉપર તપાસ શરૂૂ કરવામાં આવી છે.
રાજ્યના ગૃહ વિભાગ અને ડીજી ઑફિસની સૂચનાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને શહેર પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી ગુજરાતમાં ગેરકાયદે રહેતા 13 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતા. સમગ્ર મામલે ડીસીપી ક્રાઇમ પાર્થરાજ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને દેશનિકાલ કરવાની માહિતી મળી છે, ત્યારે પોલીસની ટીમ દ્વારા બે દિવસ સુધી તપાસ કરવામાં આવી હતી. જેમાં કુલ 800થી વધુ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 13 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મળી આવ્યા હતા. આ લોકો પશ્ચિમ બંગાળની બોર્ડર પરથી ભારતમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં બાંગ્લાદેશીઓ અંગે શરુ કરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં વધુ ત્રણ બાંગ્લાદેશી ઘુસણખોરો પકડાયા બાદ આ 13ને શહેરના એક સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા છે. રાજકોટ એસઓજી ઉપરાંત કેન્દ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા તમામની પુછપરછ કરવામાં આવી રહી છે.
ગુહ મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા ચેતવણી આપી હતી, નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય ગેરકાયદે ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. બાંગ્લાદેશીઓ પૈકી મોટાભાગના લોકો બંગાળમાંથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા હતા. તે અંગે બારીક તપાસ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે ચલાવવામાં આવી રહી છે.
બાંગ્લાદેશીઓ અગાઉ ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે. ચાર ઝડપાયેલા બાંગ્લાદેશીઓમાંથી બે અલ-કાયદાના સ્લીપર સેલ તરીકે કામ કરતા હોવાની શંકા છે અને તેમની ગતિવિધિઓની તપાસ ચાલુ છે.