પાળિયાદ નજીક ટ્રક અને લકઝરી બસ અથડાતા 3ના મોત
રાણપુરની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસેથી પરત ફરતા અકસ્માતની ઘટના બની
બસમાં 50થી વધુ લોકો સવાર હતા, 20 લોકો ઘવાયા: વહેલી સવારે બનેલી ઘટના
બોટાદ જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામના માર્ગ પર આજે (29 સપ્ટેમ્બર) એક અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.
પાળીયાદના મેડિકલ ઓફિસર ડો. જયદેવે જણાવ્યું હતું કે, પાળીયાદ-સાકરડી રોડ પર બે વાહન અથડાતાં અકસ્માત થયો હતો. જેમાં 25થી 30 લોકો ઘાયલ થતાં તેમને અહીં લાવવામાં આવ્યા હતા. ઘાયલોની સંખ્યા વધુ હોવાથાી અમે પાંચથી છ જેટલા ગંભીર રીતે ઘાયલ લોકોને બોટાદ રીફર કર્યા છે, બાકીનાની સારવાર અહીં ચાલુ છે.
હીરાના કારખાનાના માલિક મૃતક મુકેશભાઈ બુધાભાઈ ગોહિલના ભાઇ જેસાભાઈ ધીરુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, મને આ ઘટના વિશે દોઢ વાગે ખબર પડી. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. બીજા લોકોને માથામાં અને હાથેપગે વાગ્યું છે. બસમાં 50થી 60 જેટલા લોકો હતા. આ લોકો રવિવારે સવારે સાત વાગે ખોડલધામ કાગવડ અને વીરપુરના પ્રવાસે જવા નીકળ્યા હતા.
આ અકસ્માતમાં થયો એમાં મારા ભાઇ પણ હતા, જે હીરાનું કારખાનું ચલાવતા હતા. તે કારખાનામાં કામ કરતી છોકરીઓને ફરવા લઇ ગયા હતા. તેઓ પ્રવાસેથી પરત ફરી રહ્યા હતા ત્યારે, આ અકસ્માત થયો હતો. બસમાં કારખાનામાં કામ કરતા લોકો અને મેનેજર હતા. જેમાં મોટાભાગની મહિલાઓ હતી તેમજ સાત-આઠ છોકરા પણ હતા જે મેનેજર હતા.
મૃતકોમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાળીયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી દેવાયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, લક્ઝરી બસમાં 50થી 60 જેટલા લોકો સવાર હતા. આ બસમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે ગઈ હતી અને પરત ફરી રહી હતી.
પ્રવાસ પરથી પરત ફરતી વખતે સાકરડી રોડ પર ઉભેલા એક ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.