અગ્નિકાંડમાં 3 સરકારી કર્મી જામીન મુક્ત: 4નો જેલવાસ લંબાયો
ATP મકવાણા,જોષી અને એન્જિનિયર ચૌધરીના જામીન મંજૂર: સસ્પેન્ડ TPO સાગઠિયા, જમીન માલિક બંધુ અને ફાયર ઓફિસર ખેરની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા જમીન માલિક સગા બે ભાઈ અને મહાપાલીકાના સસ્પેન્ડ ચાર અધિકારીના સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર થતા હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટ દ્વારા જમીન માલિક જાડેજા બંધુ, પૂર્વ ટીપીઓ સાગઠિયા અને ફાયર ઓફિસર ખેરની જામીન અરજી ફગાવી દીધી છે. જ્યારે ચાર સરકારી કર્મચારી એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોષી અને એન્જીનીયર જયદીપ ચૌધરીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી એસ.આઇ.ટી.ની તપાસમાં આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી, બાંધકામ સહિતની અનેક બાબતોમાં મહાપાલિકા સહિતના તંત્રો દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. તેથી ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતના ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. દરમિયાન આ કેસમાં ચાર્જશીટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ફાયર ઓફિસર ઇલેશ ખેર, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, આસી. ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા, આસી. ટાઉન પ્લાનિંગ ઓફિસર જયદિપ ચૌધરીએ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થતાં ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોષી અને એન્જીનીયર જયદીપ ચૌધરીના વકીલ વિશાલ આણંદજીવાલા, એસ.બી. ટોળીયા અને મજમુદાર દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટે જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે. જ્યારે સ્પે.પીપી વિરાટ પોપટની રજૂઆતને ગ્રાહ્ય રાખી પૂર્વ ટીપીઓ એમ.ડી. સાગઠિયા, ફાયર ઓફિસર ઇલેશ ખેર, જમીનક માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની રેગ્યુલર જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.
આ કેસમાં હાઇકોર્ટમાં આરોપીઓ તરફે નિરૂૂપમ નાણાવટી, યશ નાણાવટી, વિશાલ આણંદજીવાલા, એસ.બી. ટોળીયા, ધ્રુવ ટોળીયા, રાહુલ ધોળકિયા, પંથીલ મજમુદાર, સાર્વિલ મજમુદાર, સત્યમ છાયા અને હાઇકોર્ટમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તરીકે વિરાટ પોપટ, રાજકોટ સેશન્સ કોર્ટમાં સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી, એડિશનલ સ્પે. પીપી નિતેશ કથીરીયા, હતભાગી પતિવાર વતી બાર એશો.ના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ ફળદુ અને હાઇકોર્ટમાં ભોગ બનનાર વતી ડિસ્ટ્રીકટ બાર એશો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ભાવેશ હજારે, કીર્તિ હડિયા, રમેશ જાદવ અને પદ્મિની પરમાર રોકાયા હતા.