ચૂંટણી માટે મગાવેલ 29 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
- સુરેન્દ્રનગરના પાણશીણા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો: 6314 બોટલ દારૂ સાથે 54 લાખનો મુદ્દામાલ કબજે; ચોટીલાના બૂટલેગરનું નામ ખુલ્યું
લોકસભાની ચૂંટણી માટે મતદારોને રીઝવવા ચોટીલાના બુટલેગરે મંગાવેલ 29 લાખનો વિદેશી દારૂ ભરેલ ટેન્કર સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી લઈ 54 લાખનો મુદ્દામાલ કબજે કરી ટેન્કર ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર અને દારૂ મોકલનાર સહિતના શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ દારૂના ધંધાર્થીઓ ફરી સક્રિય થયા છે. જેમાં ચૂંટણી માટે મતદારોને રીઝવવા ચોટીલાના બુટલેગરે પંજાબના બુટલેગર પાસેથી દારૂ મંગાવ્યો હતો. જે દારૂ ભરેલ ટેન્કર ચોટીલા આવી રહ્યું હતું ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે લીંબડીના પાણસીણા ગામના પાટીયા પાસે આવેલી ચેક પોસ્ટ પરથી દારૂ ભરેલ ટેન્કર ઝડપી લીધું હતું.
પોલીસે રૂા.29,22,960ની કિંમતની 6314 બોટલ વિદેશી દારૂ, 25 લાખનું ટેન્કર, મોબાઈલ ફોન અને 7,950ની રોકડ રકમ સાથે રાજસ્થાનના સાચોર જિલ્લાના ટેન્કર ચાલક હનુમાનરામ મોબતરામ બિશ્ર્નોઈની ધરપકડ કરી હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલની પુછપરછમાં વિદેશી દારૂનો જથ્થો પંજાબના બુટલેગર અસીદ સરદારજીએ મોકલ્યો હતો. જ્યારે આ દારૂનો જથ્થો ચોટીલા બુટલેગરને પહોચાંડવાનો હતો પરંતુ તે પહેલા જ પોલીસે ઝડપી લીધો હતો. દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત ચાર શખ્સોના નામ ખુલતાં પોલીસે તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.