જિલ્લામાં 2849 છાત્રોનો પ્રાઇવેટમાંથી સરકારીમાં પ્રવેશ
સ્માર્ટ કલાસરૂમ વિવિધ એક્ટિવિટી, સ્કોલરશીપની જોગવાઇ સહિતની વ્યવસ્થાથી બાળકો સરકારી શાળા તરફ વધ્યા
મોંઘવારી સતત વધી રહી છે અને રાજ્યમાં શિક્ષણ પણ મોંઘુ થઇ ગયું છે. લાખો રૂપિયા ફી વાલીઓ ચૂકવી રહ્યા છે. ત્યારે વાલીઓ અને બાળકોલ ફરી સરકારી શાળા તરફ વળ્યા છે. રાજકોટ જિલ્લામાં 2849 બાળકોએ ખાનગીને અલવિદા કરી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.
સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસ મારફત ભણતર, કોમ્પ્યુટર તેમજ મેથ્સ-સાયન્સ લેબ, સ્કોલરશીપ માટેની પરીક્ષાની અલગથી તૈયારીઓ, સ્પોર્ટસ એક્ટિવિટી સહિતનું બાળકોનો સર્વાંગી વિકાસ કરતું શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવે છે. રાજકોટમાં મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 93માંથી 84 સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી પ્રવેશ મેળવ્યો છે. 1185 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓએ ખાનગી સ્કૂલ મૂકી સરકારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું છે. જેમાં શ્યામાં પ્રસાદ મુખર્જી સ્કૂલ નંબર 69માં 91, પ્રિયદર્શની સ્કૂલ નંબર 96માં 69 તો તિરુપતિ પ્રાથમિક સ્કૂલમાં 67 વિદ્યારઓએ સરકારી સ્કૂલમાં અપાતા શિક્ષણથી આકર્ષિત થઈને ત્યાં એડમિશન મેળવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના 11 તાલુકાઓની સરકારી પ્રાથમિક 845 સ્કૂલોમાં 1510 અને માધ્યમિકમાં 154 મળી કુલ 1664 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો છે કે જેઓ અગાઉ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.
એક છાત્રાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે હું ખાનગી પાલવ સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતી હતી. જેમાં મારે 99 ટકા આવ્યા હતા. જોકે આ વર્ષે મેં ધોરણ 5માં કોઠારીયા રોડ ઉપર આવેલી તિરૂૂપતિ સરકારી પ્રાથમિક સ્કૂલમાં એડમિશન લીધું છે. મારી બહેન આ સરકારી સ્કૂલમાં પહેલાથી ભણતી હતી, જેથી મને ખ્યાલ હતો કે, અહીં સારું શિક્ષણ આપવામાં આવે છે. અહીં સ્પોર્ટસ, કાગળ કામની પ્રવૃત્તિઓ ઉપરાંત અલગ-અલગ સ્કોલરશીપ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની પણ તૈયારીઓ કરાવવામાં આવે છે.
ખાનગી સ્કૂલમાં 55,000 જેટલી વાર્ષિક ફી હતી. જોકે, અહીં સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ખાનગી સ્કૂલથી પણ સારું શિક્ષણ આપવામાં આવે છે. અહીં 100 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને દર મહિને સન્માન રૂૂપે સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. દર 15 દિવસે એકમ કસોટી લેવામાં આવે છે. હાલ આ સ્કૂલમાં 8 વર્ગખંડો છે અને વધુ 12 વર્ગખંડો બની રહ્યા છે. જે વર્ગખંડો એક મહિનામાં અમને સોંપી દેવામાં આવશે. અહીં ધોરણ 6થી 8ના તમામ વર્ગખંડો સ્માર્ટ ક્લાસ છે. જેમાં ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અભ્યાસમાં ડિજિટલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય સાયન્સ લેબ અને લાઇબ્રેરી છે. આ ઉપરાંત ભાષા કોર્નર, ગણિત કોર્નર પણ આ સ્કૂલમાં છે.