For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

11 વર્ષમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનથી ભારત પરત મોકલાયા

12:01 PM Dec 05, 2025 IST | Bhumika
11 વર્ષમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનથી ભારત પરત મોકલાયા

ભારત સરકારના પ્રયાસોના પરિણામે વર્ષ 2014થી અત્યારસુધીમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ગુજરાતના માછીમારોના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે રાજ્યસભામાં આ માહિતી આપી હતી.

Advertisement

મંત્રીએ જણાવ્યું હતું કે કેલેન્ડર વર્ષ 2025 દરમિયાન, અત્યારસુધીમાં ગુજરાતના 18 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયા છે, જ્યારે 1 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતના અંદાજિત 123 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હતા. જ્યારે વર્ષ 2024માં ગુજરાતના એક પણ માછીમારને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયા નહોતા, જે પૂર્વે 2023માં 432 માછીમારોને મુક્ત કરાયા હતા.

ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ એકબીજાની જેલમાં બંધ પરસ્પરના માછીમારો અને નાગરિક કેદીઓની યાદીઓનું આદાન-પ્રદાન કરે છે. બધા તારીખ પહેલી જાન્યુઆરી 2025ના રોજ એકબીજાને અપાયેલી યાદીઓ અનુસાર, પાકિસ્તાને 217 ભારતીય/ ભારતીય મનાતા માછીમારોની કસ્ટડી પોતાની પાસે હોવાનું સ્વીકાર્યું હતું. આ યાદીઓના આદાન-પ્રદાન પછી, માર્ચ 2025 સુધીમાં એક ભારતીય માછીમારનું મૃત્યુ થવાનો તેમજ 22 ભારતીય માછીમારોને મુક્ત કરીને ભારત પરત મોકલાયા હોવાનો અંદાજ છે. હાલમાં પાકિસ્તાનમાં કેદ બાકીના 194 ભારતીય કે ભારતીય મનાતા માછીમારોમાંથી, 123 માછીમારો ગુજરાતી/ગુજરાતના હોવાનું મનાય છે. આ 123માંથી 33 માછીમારની 2021માં, 68 માછીમારોની 2022માં, 9 માછીમારોની 2023માં અને 13 માછીમારોની 2024માં ધરપકડ કરાઈ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement