મ્યુનિ. કમિશનર ઉપર હુમલો-તોડફોડના કેસમાં 24 કોર્પોરેટરો નિર્દોષ
19 વર્ષ જૂના કેસમાં રાજકોટની ચીફ જ્યુડિશિયલ કોર્ટનો ચૂકાદો
ઉદય કાનગડ, કમલેશ મિરાણી, નીતિન ભારદ્વાજ, કશ્યપ શુકલ, ડો.જૈમન ઉપાધ્યાય સહિતના નેતાઓને રાહત
રાજકોટમાં 19 વર્ષ પહેલા કોર્પોરેશનની માલીકીના પ્લોટમાંથી દબાણ દૂર કરવા અંગે રાજકોટ કોર્પોરેશનના 24 જેટલા કોર્પોરેટરો કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતાં. ત્યારે કમિશનરે ઓફિસનો દરવાજો બંધ કરી લોખંડની જાળી ટેકવી દેતા ઉશ્કેરાયેલા કોર્પોરેટરોએ કમિશનર કચેરીમાં તોડફોડ કરી કમિશનર ઉપર હુમલો કર્યાના કેસમાં ચાર્જસીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા અદાલતે 21 કોર્પોરેટરોને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે. જ્યારે ત્રણ કોર્પોરેટરના મોત નિપજતા તેમની સામેનો કેસ એબેટ કરાયો છે.
આ કેસની હકીકત મુજબ વર્ષ 2006માં રાજકોટ કોર્પોરેશનની માલીકીના પ્લોટમાંથી દબાણ દૂર કરવા એંગ રાજકોટના તમામ કોર્પોરેટર સહિત કાર્યકરો, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને રજૂઆત કરવા કમિશનર કચેરીએ ગયા હતાં. ત્યારે કમિશનરે પોતાની ઓફિસનો દરવાજ બંધ કરી આગળની લોખંડની જાળી ટેકવી દીધી હતી તેથી ઉશ્કેરાયેલા કોર્પોરેટરો અને કાર્યકરોએ કચેરીમાં તોડફોડ કરી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં ઘુસી ગયા હતાં અને ઓફિસના ફર્મિચર, ખુરશી, પાટીશન, મ્યુ. કમિશનરના નામનું બોર્ડ તોડી નાખ્યું હતું અને મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર ઉપર હુમલો કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર રહેલા ચશ્માનો ઘા કરી તોડી નાખ્યા હતાં તેમદજ ખુરશી અને લાઠી ઉગામી મારવાની કોશીષ કરી હતી.
જે ઘટનામાં પોલીસક ર્મીઓની પણ નાની-મોટી ઈજા પહોંચી હતી. કોર્પોરેટરના ટોળાએ પબ્લીક પ્રોપર્ટીને કુલ સવા લાખનું નુક્શાન પહોંચાડ્યું હતું.આ અંગે ચીફ વીજીલન્સ ઓફિસર રતન કાનજીભાઈ મહેશ્ર્વરીએ મ્યુનિસિપલ કમિસનર કચેરીમાં તોડફોડ કરી કમિશનર ઉપર હુમલો કર્યાની એડીવીઝન પોલીસ મથકમાં કોર્પોરેટર ઉદયભાઈ કાનગડ, કમલેશભાઈ મિરાણી, કશ્યપભાઈ શુકલ, ગંભીરસિંહ પરમાર, નરેન્દ્રભાઈ ડવ, નરેન્દ્રભાઈ સોલંકી, હરીભાઈ ડાંગર, લાભુભાઈ પારેખ, વલ્લભભાઈ દુધાત્રા, જયશ્રીબેન પરમાર, દેવરાજભાઈ મકવાણા, અતુલભાઈ પંડિત, નિતિનભાઈ ભારદ્વાજ, મનસુખભાઈ પટેલ, અમિતભાઈ ભોરણિયા, ભાવનાબેન વ્યાસ, જયમનભાઈ ઉપાધ્યાય, દમયંતિબેન રાઠોડ, જેરામભાઈ વાડોલિયા, જેસંગભાઈ ડાંગર, અનિલભાઈ રાઠોડ, કિરિટસિંહ ડોડિયા અને અનિલભાઈ મકવાણા સહિતના 22 કોર્પોરેટરો તેમજ પદાધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના આધારે પીએસઆઈ એસસી દવેએ તમામની ધરપકડ કરી હતી જે તપાસના અંતે તપાસ અધિકારીએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું. જે કેસમાં કોર્પોરેટર લાભુભાઈ પારેખ, મનસુખભાઈ પટેલ અને અમિતભાઈ ભોરણીયાનું અવસાન થતાં તેમની સામેનો કેસ એબેટ કરવામાં આવ્યો હતો. ચાર્જશીટ બાદ કેસ રાજકોટની કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરિયાદી રતન મહેશ્ર્વરી પીએસઆઈ બરોલિયા, ડે. કમિશનર પી.પી. વ્યાસ, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, સિનિયર તપાસ અધિકારી પીએસઆઈ એસસી દવે સહિત કુલ 17 જેટલા સાહેદને તપાસવામાં આવ્યા હતાં. ત્યાર બાદ તમામ આરોપીઓના વિસષ જવાબ લેવામાં આવ્યા હતાં.
ત્યાર બાદ બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્પોરેટરોના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ ન્યાયાધીશ આઈ.એમ. શેખે તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપી કોર્પોરેટરોના બચાવ પક્ષે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના યુવા એડવોકેટ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળિયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જિગ્નેશ વિરાણી, જિતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ અને ચેતન પુરોહિત તેમજ ઉદયભાઈ કાનગડ વતી સિનિયર એડવોકેટ અનિલભાઈ દેસાઈ રોકાયા હતાં.