રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીમાં 24.23 કરોડના ટેન્ડર, વહીવટી- વિકાસના કામો મંજૂર
સિંચાઇ, બાંધકામ અને રજિસ્ટ્રી શાખાના જુદા-જુદા કામો- ટેન્ડર કરાયા મંજૂર
રાજકોટ જિલ્લા પંચાયતની આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં ચેરમેન પી.જી. કયાડા દ્વારા રૂા.24.23 કરોડના 16 કામોના ટેન્ડર તેમજ વહીવટના વિકાસના કામોને મંજુરી અપાઇ હતી.કારોબારી બેઠકના અધ્યક્ષ તરીકે પી.જી. કયાડા, સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, ડેપ્યુટી ડીડીઓ, કારોબારી સમિતિના સદસ્યો તેમજ જિલ્લા પંચાયતના શાખા અધિકારીઓની હાજરીમાં સિંચાઇ, બાંધકામ અને રજીસ્ટ્રી શાખાના કામો મંજુર કરાયા હતા.
જેમાં મુખ્યત્વે સિંચાઇના રૂા.80,91,855ના બે કામોના ટેન્ડર તેમજ રૂા.101,25000ના બે વહીવટી કામોને મંજુર કરાયા છે.બાંધકામોના કુલ રૂા.22,39,23999નાં 10 કામોનાં ટેન્ડર મંજુર કરાયા હતા. તેમજ રજીસ્ટ્રી શાખા, જિલ્લા પંચાયત માટે નવુ એક કોમ્પ્યુટર અને નવું પ્રિન્ટર રૂા.દોઢ લાખની મર્યાદામાં ખરીદવાની મંજુરી અપાઇ છે.આમ, આજની કારોબારી બેઠક દરમિયાન કુલ રૂા.24 કરોડ, 22 લાખ, 90 હજાર 848નાં બાંધકામ, સિંચાઇ, રજીસ્ટ્રી શાખા, કામોના ટેન્ડર અને વહીવટી મંજુરી અપાઇ છે.