23 હજાર સૂચિત મિલ્કતધારકોને બખ્ખા! કાલથી કાયદેસર થઇ શકશે
ગુજરાત જમીન મહેસૂલ(સુધારા) વિધેયક, 2025 આવતીકાલથી લાગુ, સરકારને રૂા.381 કરોડની માંડવાળ ફીની આવક થશે
ગુજરાતમાં બિનખેતીની મંજૂરીની અપેક્ષાએ ખેતીની જમીનો પર બનેલી સોસાયટીઓ, રહેણાકના મકાના ધારકોને માલિકી હક્કને લઇને લાંબા સમયથી ચાલતી કાયદાકીય ગૂંચ અને અર્થઘટનોને કારણે અટવાયેલો પ્રશ્ન હવે ઉકેલાય ગયો છે. વિધાનસભામાં વર્ષ 2005 પહેલાં આવી રીતે બનેલી મિલકતોને માલિકી હક્ક પ્રાપ્ત થાય અને પ્રોપર્ટીકાર્ડ મેળવવાનો માર્ગ મોકળો કરતાં એક મહત્ત્વના ગુજરાત જમીન મહેસૂલ(સુધારા) વિધેયક, 2025ને વિનાવિરોધે પસાર કર્યું હતું. આ વિધેયકનો અમલ આવતીકાલે 22 મે થી થવા જઈ રહ્યો છે. હવે અત્યાર સુધી કુલ 23,000થી પણ વધુ મિલકતો નિયમિત કરી શકાશે. એનાથી અંદાજે સરકારને રૂૂ.381 કરોડની માંડવાળથી અને સરકારી ફીની વસૂલાત થઇ શકશે. ગૃહમાં કોંગ્રેસે આ બિલ પર કેટલીક ગંભીર જોગવાઇઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોર્યું હતું, પરંતુ વિધેયકને પસાર કરતી વેળાએ વિરોધ કર્યો ન હતો.
મુખ્યમંત્રી વતીથી મહેસૂલ વિભાગના બિલને ગૃહમાં રજૂ કર્યા બાદ ચર્ચાનો ઉત્તર આપતી વખતે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારોની આસપાસમાં અનેક એવી સોસાયટીઓ, આવાસો છે જે જમીન મહેસૂલના જુદા જુદા કાયદા હેઠળ શરતભંગ થતો હોવાતી ચોક્કસ અવેજ ચૂકવીને મકાન કે સોસાયટીઓમાં વસવાટ કરી રહ્યા છે.
આવા બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરી તેને વિનિયમિત કરી આપવાા અને તેને કાયદેસરતા આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે એક ઉમદા અને ઉદાર હેતુથી આ સુધારો કર્યો છે. જોકે, ખરાબાની, સરકારી મિલકતોમાં થયેલા ગેરકાયદે બાંધકામોને આ લાભ મળશે નહીં. સરકારની આ ઉદારતા એવા લોકો માટે છે કે જેમણે પોતાની જમીન પર બાંધકામ કર્યું છે, પણ જરૂૂરી પરવાનગીઓ લેવાનું કોઇને કોઇ કારણોસર ચૂકી ગયા છે. પોતાની જમીનના પ્લોટ પાડીને કોઇએ વેચ્યા, તેના પર પ્લોટ લઇને મકાન બનાવ્યું હોય એ વ્યક્તિને ખ્યાલ નથી કે વેચનારે બિનખેતીની પરવાનગી લીધી નથી કે બીજી નિયમ અનુસારની પરવાનગીઓ લીધી નથી.
લોન લેવી સરળ બનશે અને કાયદેસરનો માલિકી હક્ક મળશે
રાજ્ય સરકાર દ્વારા સન ર017માં 30મી માર્ચે વિધેયક ક્રમાંક 19 લાવવામાં આવ્યું હતું. તેથી જમીન મહેસૂલ અધિનિયમ-1879ની કલમ 1ર5-છમાં સુધારો કરવો જરૂૂરી હતો. આ સુધારો કરવાથી ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, 1879 હેઠળની સોસાયટીઓને, જ્યાં ગણોતધારાની કલમ 84 (ગ) અથવા કલમ-122 હેઠળની કાર્યવાહી ચાલુ હોય, આ કાયદાથી નિયત થયેલ માંડવાળ ફી તેમજ પ્રીમિયમની રકમ તથા અન્ય સરકારી લેણાંની રકમની ભરપાઇ કર્યેથી પરિવર્તનીય વિસ્તાર જાહેર કરી શકાશે, જેથી લોકોની મિલકતને જમીન મહેસૂલ રેકર્ડ પર લાવી શકાશે. પરિણામે સામાન્ય પ્રજાજનોને બેન્કો પાસેથી સરળતાથી લોન મળી શકશે. આ બિલથી શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી માલિકીની જમીન ખેડૂતોના નામે જ રાખી ગેરકાયદે પ્લોટિંગ કરી કે મકાન બાંધી વેચાણ કર્યું હોય તેવા પ્લોટ કે મકાન ખરીદનાર કાયદેસરનો માલિક છે કે કેમ? તેવી કોઈ સાબિતી તેમની પાસે ન હોવાના કારણે તેમાં રક્ષણ મળશે.