રવિરત્ન સોસાયટીમાંથી 225 કિલો સડેલી બદામનો જથ્થો પકડાયો
ફૂડ વિભાગના ચેકિંગમાં બદામનું મશીનમાં કટિંગ કરી ખાદ્ય સામગ્રી બનાવવા માટે સપ્લાય કરાતો હોવાનું ખુલ્યું
રાજકોટ શહેરમાં મિઠાઈ સહિતના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ દિવસે દિવસે વધતુ જાય છે પરંતુ દિવાળીના તહેવારો દરમિયાન સૌથી વધુ વેચાણ થતું હોય તેવા સુકામેવાનો ઉપયોગ પણ લોકોના આરોગ્યને નુક્શાન પહોંચાડે તે રીતનો થઈ રહ્યો હોવાનું આજે બહાર આવ્યું છે. મનપાના ફૂડ વિભાગને મળેલ બાતમીના આધારે આજરોજ યુનિવર્સિટી રોડ ઉપર આવેલ રવિરત્ન સોસાયટી શેરી નં. 2 માં આવેલ એક મકાનમાં તપાસ હાથ ધરતાં આ મકાનમાં સડેલી અને ખરાબ થઈ ગયેલી બદાનમું મશીનમાં પ્રોસીસીંગ કરી તેનો ભુકો તૈયાર કરી મિઠાઈ બનાવતા તેમજ અન્ય ખાદ્ય સામગ્રી બનાવતા વિક્રેતાઓને સપ્લાય થતું હોવાનું બહાર આવતા ફૂડ વિભાગે 325 કિલો સડેલી બદામનો જથ્થાનો નાશ કરી વિક્રેતાને હાઈજેનીક કંડીશન જાળવવા અને ઉત્પાદનનું લાયસન્સ લેવા માટેની નોટીસ ફટકારી હતી.
દિવાળી તથા નુતન વર્ષ ના તહેવારો નિમિત્તે ડ્રાયફ્રુટ તથા તેમાંથી બનતી ખાદ્યચીજોનો વ્યાપક પ્રમાણમાં વેચાણ તથા ઉપયોગ થતો હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ડ્રાયફ્રુટ અંગેના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલગ અલગ ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવેલ જે પૈકી રવિરત્ન પાર્ક ચોક પાસે, રવિરત્ન સોસાયટી શેરી નં.2 કોર્નર, બ્લોક નં, ઊ-270, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે આવેલ ડ્રાયફ્રુટનું પ્રોસેસિંગ કરતી પેઢી ’ગોકુલ એન્ટરપ્રાઇઝ’ પેઢીની તપાસ કરવામાં આવેલ.
પેઢીની તપાસ દરમિયાન સ્થળ પર મશીન પર બદામ(ડ્રાયફ્રુટ)નું કટિંગ પ્રોસેસિંગ કરતાં જોવા મળેલ જે બદામ(ડ્રાયફ્રુટ) નો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ સડેલો(કાણાવાળા), ડેમજ થયેલો તેમજ ખોરા થયેલો માલૂમ પડેલ તેમજ સ્થળ પર સંગ્રહ કરેલ બોરીઓમાં રહેલ કુલ આશરે 325 કિ.ગ્રા. બદામ(ડ્રાયફ્રુટ) (અંદાજીત કિમત રૂૂ. 2 લાખ) નો જથ્થો તપાસતા સડેલો, ખોરો તથા માનવ આહાર માટે અયોગ્ય હોવાનું હાજર ફૂડ બિઝનેશ ઓપરેટરે સ્વીકારેલ. સદરહુ બિન આરોગ્યપ્રદ, અખાદ્ય બદામ(ડ્રાયફ્રુટ) નો જથ્થો માનવ આહાર માટે ફરીથી ઉપયોગમાં ન લેવાય તે હેતુથી સ્થળ પર નાશ કરવામાં આવેલ.