વડોદરામાં ટ્રક પાછળ બસ ઘૂસી જતાં પરીક્ષાર્થીઓ સહિત 22 લોકોને ઈજા
વડોદરા શહેરના દેણા બ્રિજ પર વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. એક એસટી બસ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. ટ્રકની પાછળ બસ ઘૂસી જતાં બસમાં સવાર 22 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોમાં પરીક્ષા આપવા જઇ રહેલા કેટલાક વિદ્યાર્થીઓને પણ ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આજે સવારે વાપીથી ચાણસ્મા તરફ એક એસટી બસ જઇ રહી હતી. આ એસટી બસ અમદાવાદ-મુંબઇ હાઇવે પર હતી ત્યારે ત્યાં ઉભેલી એક ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બસમાં 50 જેટલા મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના આ બનાવમાં બસના ડ્રાઇવર-ક્ધડક્ટર સહિત 22 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી.
અકસ્માતની જાણ થતાં સ્થાનિકો અને ત્યાંથી પસાર થતાં રાહદારીઓ દોડી આવ્યા હતા. અકસ્માત બાદ તાત્કાલિક બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ તાકીદે સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. બસમાં 6 વિદ્યાર્થીઓ વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા. તેમાંના 3 વિદ્યાર્થીઓ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બન્યા છે. હોસ્પિટલમાં દાખલ અન્ય મુસાફરોની સ્થિતિ સ્થિર હોવાનું તબીબી દ્વારા જણાવાયું છે.