તરણેતરનાં લોકમેળામાં 20મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનો શુભારંભ
વિજેતાઓને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર, સર્ટીફિકેટનું વિતરણ
જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે આયોજિત ત્રિ-દિવસીય લોકમેળામાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી, જિ-સુરેન્દ્રનગર દ્વારા 20મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વ શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ સહિતના મહાનુભાવોએ લોકમેળાને ખુલ્લો મૂક્યા બાદ મેળાની મુલાકાત લેતા વિવિધ ગ્રામીણ સ્પર્ધાઓ રસપૂર્વક નિહાળી હતી. તેમજ જુદી જુદી સ્પર્ધામાં વિજેતા રમતવીરોને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.ગ્રામીણ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે એટલે કે તા. 26/08/2025ના રોજ 16 વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો માટે 100 મી.દોડ, 200 મી.દોડ, 800 મી.દોડ, લાંબીકુદની રમતો યોજાશે. જયારે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે 100 મી.દોડ, 400 મી. દોડ, 800 મી. દોડ, ગોળાફેંક, લાંબી કુદ, 4 ડ્ઢ 100 મી.રીલે દોડ તેમજ 12 વર્ષના બાળકો માટે લંગડી (9 ખેલાડીઓ)ની સ્પર્ધા યોજાઈ હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, ચોટીલા નાયબ કલેકટર હરેશ મકવાણા, પ્રાંત અધિકારી સર્વ હર્ષદીપ આચાર્ય, કુલદીપ દેસાઈ, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા, પદાધિકારીઓ, રમત ગમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ, રમત ગમત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, વર્ષ 2004થી તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકમેળામાં આ પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા યોજવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2010માં ખેલ મહાકુંભ જેવી અનેક યોજના અમલી બનાવી, રમત-ગમત માટે ખાસ બજેટ ફાળવી, દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ શરૂૂ કરાવીને રમત-ગમતને પ્રોત્સાહન આપ્યું છે. જેના કારણે ગ્રામીણ ખેલાડીઓને રમત ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે મોટું મંચ મળ્યું છે. જેના કારણે ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેતા થયા છે.