રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

HCમાં 20, જિલ્લા અદાલતોમાં 500થી વધુ જજની જ્ગ્યા ખાલી

04:20 PM Dec 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વિલંબથી મળતો ન્યાય, એ ન્યાય ન મળવા બરાબર છે આવા કથનો વખતો વખત સાંભળવા મળે છે, પરંતુ દેશભરની અદાલતોમાં લાખોની સંખ્યામાં સિવિલ અને ફોજદારી કેસોના ભરાવો એ આ કથનને સાર્થક કરે છે. સુપ્રીમ કોર્ટની સૂચના અને માર્ગદર્શિકા મુજબ અદાલતોમાંથી કેસનો ભરાવાનો ઘટાડવા માટે હવે લોકઅદાલતો યોજવામાં આવે છે અને વર્ષોથી ન્યાય ઇચ્છતા લોકોને ઝડપથી ન્યાય મળે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એેમ છતાંય હાલ અદાલતોમાં સુપ્રીમ કોર્ટથી ડિસ્ટ્રીક્ટ, સબ ડિસ્ટ્રીક્ટ કોર્ટ સુધીના સ્તરે જજોની ખાલી જગાઓ પણ કેટલાક અંશે કેસોના ભરાવા પાછળ કારણભૂત ગણાય છે. તાજેતરમાં જ સંસદમાં રજૂ થયેલા દસ્તાવેજમાં જણાવાયું છે કે એકલા ગુજરાતની હાઇકોર્ટમાં 20 અને જિલ્લા અદાલતોમાં 500થી વધુ જજની જગાઓ ખાલી છે.

લોકસભામાં પાંચ સાંસદોએ દેશમાં વધતા જતા કેસોના ભરાવાને લઇ સુપ્રીમ કોર્ટથી લઇ સબ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જજોની ખાલી જગાઓ અંગે ચિંતા વ્યક્ત કરતો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. તેના ઉત્તરમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રીએ વિસ્તૃત ઉત્તર આપ્યો હતો. જોકે, આ ઉત્તરમાં સરકારે દાવો કર્યો છે કે અદાલતોમાં વધતા જતા પડતર કેસો માટે માત્ર જજોની ખાલી જગા જ કારણભૂત નથી!. તેની પાછળ અન્ય અનેક કારણો જવાબદાર છે. દેશની સુપ્રીમ કોર્ટમાં 21 નવેમ્બર, 2024ની સ્થિતિએ માત્ર બે ન્યાયમૂર્તિની જગા ખાલી છે, પરંતુ દેશભરના જુદા જુદા રાજ્યોની હાઇકોર્ટમાં 364 જગા ખાલી હોવાનું તેમજ જિલ્લા અને નીચલી કોર્ટમાં 5245 જજની જગા ખાલી હોવાની જાણકારી સંસદમાં અપાઇ છે. એમાં ગુજરાત હાઇકોર્ટમાં કુલ 20 જજ તેમજ જિલ્લા-અન્ય નીચલી અદાલતોમાં 545 ખાલી જગાનો સમાવેશ થાય છે. ગુજરાત હાઇકોર્ટમાં 7 કાયમી અને 13 અધિક જજની જગા ખાલી છે. સૌથી નવાઇની વાત એ છે કે ગુજરાતમાં 2018માં જિલ્લા અને નીચલી અદાલતોમાં જ્યુડિશિયલ ઓફિસર્સનું મંજૂર મહેકમ 1506 હતું અને એમાં ખાલી 356 જગા હતી.

આ સ્થિતિ સુધરવાને બદલે 2023માં મંજૂર મહેકમ વધીને 1720 થયું, પરંતુ ખાલી જગા વધીને 545 થઇ ગઇ હતી. જે 21 નવેમ્બર, 2024માં ઘટીને 535 થઇ હતી. એમ છતાંય ખાલી જગાની સંખ્યા ઘણી મોટી છે. આની સામે જિલ્લા અને નીચલી અદાલતોમાં પડતર કેસો સામે કસૂરવારનો રેશિયો 30 ટકાથી નીચો છે. આ જ કારણે ન્યાય માટે નીચલી અદાલતથી છેક હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવે છે. નાગરિકોને સમયસર ન્યાય મળી શકે તે દિશામાં સરકારે ગંભીરતાથી વિચાર કરી પગલાં લેવા જોઇએ.

પડતર કેસો પાછળ કયા કારણો જવાબદાર
અદાલતોમાં ન્યાય ઇચ્છતા કેસોની કરોડોની સંખ્યાથી વાકેફ સરકારે સંસદમાં ઉત્તર આપ્યો છે કે, જજો અને સંબંધિત અધિકારીઓની નિમણૂકો જ એક માત્ર કારણ નથી. એની પાછળ અદાલતો માટેનો અન્ય સ્ટાફ અને માળખાકીય સુવિધાની ઉપલબ્ધતા, નેચર ઓફ એવિડન્સ, કેસોમાં હકીકતોની આંટીઘૂંટી, કેસો સાથે સંકળાયેલી તપાસ સંસ્થાઓ, બારની સાક્ષીઓ અને પક્ષકારો માટે યોગ્ય નિયમો અને પધ્ધતિઓ મુદ્દે સંકલન જેવા કારણો પણ જવાબદાર છે. એ જ રીતે સંબંધિત કોર્ટ દ્વારા વિવિધ કેસોના નિકાલ માટેની સુનિશ્ચિત સમય અવધિનો અભાવ, વારંવાર મુદતો, કેસોના મોનિટરિંગની સિસ્ટમનો અભાવ પણ કેસોના ભરાવા પાછળના કારણો હોય છે. જજ અને જ્યુડિશિયલ ઓફિસર્સની નિમણૂકો માટે વખતોવખત હાઇકોર્ટ દ્વારા રાજ્યના સંકલનમાં રહી કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

Tags :
district courtsgujaratgujarat newsjudges
Advertisement
Next Article
Advertisement