હાર્ટ એટેકથી વૃદ્ધ સહિત વધુ 2ના મોત
જામનગરના વૃદ્ધ રાજકોટ સિવિલમાં દવા લઇ જતા હતા ત્યારે જયુબેલી નજીક ઢળી પડ્યા: ગંજીવાડાના યુવાનને હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકનો ખતરો યથાવત છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વૃદ્ધ સહિત વધુ બે લોકોએ જીવ ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી જામનગર ના વૃદ્ધ રાજકોટ સિવિલમાં દવા લઇ જતા હતા. ત્યારે જયુબેલી નજીક બેભાન થઇ ઢળી પડ્યા હતા જયારે બીજા બનાવમાં ગજીવાડાના યુવાનને આવેલો હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં ઓસવાલ હોસ્પિટલ પાસે રહેતા અને એકલવાયુ જીવન જીવતા દિનેશભાઇ કેશવજીભાઇ માલાણી (ઉ.વ.65)નામના વૃદ્ધ ગઇકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવા લેવા માટે આવ્યા હતા. જયાથી સાંજના સમયે દવા લઇ પરત જામનગર જવા ચાલીને બસ સ્ટેન્ડ તરફ જતા હતા ત્યારે જયુબેલી નજીક બીએસએનએલની ઓફિસ પાસે પહોંચતા અચાનાક બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય હતા જયા ફરજ પરના તબીબે તેને જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતુ.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથામિક તપાસમાં મૃતક ચાર ભાઇ એક બહેનમાં વચેટ અને અપરિણીત હોવાનું જાણવા મળ્યુ છે. જયારે બીજા બનાવમાં ગજીવાડા શેરી નં.36માં રહેતો રાજેશ ઉર્ફે રાજુ શામજીભાઇ મકવાણા (ઉ.વ.38)નામનો યુવાન ગત રાત્રે બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનુ હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કરવામાં આવ્યુ હતુ. આ અંગે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમા ખસેડાયો હતો. મૃતક બેભાઇ એક બહેનમાં મોટો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી હતી.