19 વર્ષની રેપ પીડિતાના 24 સપ્તાહના ગર્ભના ગર્ભપાતનો હાઇકોર્ટ દ્વારા ઇન્કાર
- ભૃણહત્યાનો ગુનો બને ઉપરાંત પીડિતાનો જીવ પણ જોખમાય તેવું કોર્ટનું અવલોકન
19 વર્ષની રેપ પીડિતાના 24 સપ્તાહના ગર્ભના ગર્ભપાતનો હાઇકોર્ટે ભારે હૃદયે ઇનકાર કર્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ એચ.ડી.સુથારે આદેશ કરતાં નોંધ્યું છે કે,‘કોર્ટ પીડિતા પ્રત્યે પૂર્ણ સહાનુભૂતિ દાખવે છે અને અત્યંત ભારે હૃદયે તેને ગર્ભપાતની મંજૂરી આપવાનો ઇનકાર કરે છે. પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી શકાય નહીં. કેમ કે, એ ભૃણહત્યાનો બીજો ગુનો થશે અને પીડિતાના જીવને પણ જોખમ રહેલું છે. તેની શારીરિક અને માનસિક પરિસ્થિતિ પણ અત્યંત નબળી છે.’
પ્રસ્તુત કેસમાં દેવભૂમિ દ્વારકાના મીઠાપુર પોલીસ સ્ટેશનમાં પીડિતા સાથે થયેલા રેપ સહિતના ગુનાની ફરિયાદ નોંધાયેલી છે. પીડિતા તરફથી હાઇકોર્ટમાં અરજી કરીને ગર્ભપાતની મંજૂરી માગવામાં આવી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,‘પીડિતાના પિતા સાત વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે અને હાલ તેની સાથે માત્ર માતા જ છે. દરમિયાન એક વ્યક્તિએ તેને પોતાની મોહજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી હતી અને તેની સાથે સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ પીડિતા સગર્ભા થતાં તેણે આરોપીને જાણ કરી હતી, પરંતુ તેણે લગ્ન કરવાનો ઇનકાર કરતા પીડિતા દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી હતી.
પીડિતા તરફથી હાઇકોર્ટમાં એવી રજૂઆત પણ કરવામાં આવી હતી કે,‘શરૂૂઆતમાં આરોપીએ પીડિતાને અંધારામાં રાખી હોવાથી તેણે ગર્ભપાત કરાવવાનો વિચાર કર્યો નહોતો, પરંતુ આરોપીએ તેને દગો આપતાં તેણે ગર્ભપાત માટે હાઇકોર્ટ સમક્ષ અરજી કરી છે.’ હાઇકોર્ટે આ મામલાની નોંધ લઇ સંબંધિત ઓથોરિટીને નોટિસ પાઠવી પીડિતાની શારીરિક અને માનસિક તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જે રિપોર્ટમાં તબીબોનો એવો અભિપ્રાય સામે આવ્યો હતો કે, તેની સાથે બનેલી ઘટનાને પગલે તે ભારે ટ્રોમામાં છે અને તે સિવાય તેની શારીરિક પરિસ્થિતિ પણ મજબૂત નથી. તેનું હિમોગ્લોબિન સામાન્ય રીતે 10.5 હોવું જોઇએ, પરંતુ એ 8.7 છે. તેથી તે એનિમિકની શ્રેણીમાં આવે છે અને વ્હાઇટ બ્લડ સેલ પણ ઓછાં છે. તેથી તેને ગર્ભપાત પછીના ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ પ્રબળ છે. હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે,‘પીડિતાનો ગર્ભ 23 સપ્તાહથી વધુનો છે અને ત્રણથી ચાર દિવસમાં એ 24 સપ્તાહનો અને જો હિમોગ્લોબિન વધારવાની સારવાર આપવામાં આવે તો ગર્ભ 25 સપ્તાહનો થઇ જશે. તેથી પીડિતાના રિસ્ક ફેક્ટર અને કેસના વિચિત્ર તથ્યોને ધ્યાનમાં લેતાં ગર્ભપાતની મંજૂરી આપી શકાય નહીં.’