બારકોડિંગ સિસ્ટમમાં ક્ષતિના કારણે 1800 પાસપોર્ટ ટલ્લે ચડી ગયા
પોસ્ટલ એડ્રેસ બદલી જતા અરજદારો ધંધે લાગ્યા, પાસપોર્ટ કચેરીના છબરડો
અમદાવાદમાં ગુલબાઇ ટેકરા વિસ્તારમાં આવેલી પ્રાદેશીક પાસપોર્ટ કચેરીના ડિસ્પેચ વિભાગની બારકોડિંગ સિસ્ટમમાં ટેકનિક્લ ક્ષતિ સર્જાતા 1800 જેટલા પાસપોર્ટના પોસ્ટલ એડ્રેસ બદલી ગયા હતા અને તેના કારણે આ પાસપોર્ટ ટલ્લે ચડી જતા અનેક યાત્રિકોના પ્રવાસ આયોજનો રઝળી પડ્યા હતા.
ગુલબાઈ ટેકરા સ્થિત આવેલી પ્રાદેશિક પાસપોર્ટ કચેરી નવા 2.0 વર્ઝન અમલી કર્યા બાદ પાસપોર્ટ કચેરીના ડિસ્પેચ ડિપાર્ટમેન્ટના બારકોડિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા 1800 પાસપોર્ટ અટવાઈ ગયા હતા, જેના કારણે જે અરજદારોએ તત્કાલમાં પાસપોર્ટ માટે અરજી કરવી પડી હતી.
ડિસ્પેચ વિભાગ સ્પીડ પોસ્ટ મારફતે પાસપોર્ટ મોકલે છે. જોકે પાસપોર્ટનું નવું વર્ઝન અપડેટ થઈ રહ્યું છે ત્યારે 1800 જેટલા અરજદારોના પાસપોર્ટનાં કવર પર એડ્રેસ બારકોડ લગાવાયા હતા અને તેમાં ભૂલ જણાઈ હતી, જેના કારણે સ્પીડ પોસ્ટ દ્વારા પાસપોર્ટ અરજદારોના સાચાં સરનામે ડિસ્પેચ થયા ન હતા. અરજદારો પાસપોર્ટ સ્ટેટસ ચેક કરતા હતા ત્યારે અમદાવાદના સરનામાનો પાસપોર્ટ અમદાવાદના બહારના ગામનો બતાવતો હતો.
એક અરજદારે જણાવ્યું કે મારે વિદેશમાં ફરવા જવાનું હોવાથી શુક્રવારે મેં તત્કાલમાં અરજી કરી હતી અને શનિવારે મને પાસપોર્ટ મળી જશે એમ માની મેં હોટેલ અને ફ્લાઇટ બુક કરાવી દીધી હતી, પરંતુ પાસપોર્ટ ચાર દિવસ બાદ ન મળતા આજે બુધવારે હું પાસપોર્ટ કચેરીનો રૂૂબરૂૂ સંપર્ક કરવા જતા મને પ્રવેશવા દીધો હતો. ત્યારે બારકોડિંગ સિસ્ટમમાં ક્ષતિ હોવાનું ધ્યાને આવ્યું હતું.