વેપારી, બિલ્ડર, કાફે સંચાલક, કેટરર્સના ધંધાર્થી અને તબીબ સહિત જુગાર રમતા 18 શખ્સો ઝડપાયા
લાલપરી પાસે ધરતી ટિમ્બરના ડેલામાં, કાલાવડ રોડ ‘બુલ્સ કાફે’માં અને અંબિકા ટાઉનશિપ પાસે શ્રી દર્શન વાટિકામાં દરોડા: 1.33 લાખનો મુદ્દામાલ જપ્ત
શ્રાવણ મહિનો શરૂ થતા જ સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર જુગારના હાટડા શરૂ થઇ જાય છે. ત્યારે રાજકોટ શહેરમાં ગઇકાલે પોલીસે મોરબી રોડ પર લાલપરી પાસે ધરતી ટિમ્બરમાં, કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાસે બુલ્સ કાફેમાં અને અંબીકા ટાઉનસીપ પાસે શ્રી દર્શન વાટીકામાં દરોડા પાડી જુગાર રમતા 18 શખ્સોને રૂા.1.33 લાખની મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
વધુ મળતી વિગતો મુજબ, બી ડીવીઝન પોલીસ સ્ટાફના પીએસાઇ કે.ડી.મારુ અને પંકજભાઇ માળી સહિતના સ્ટાફે લાલપરી પાસે સુર્યમુખી હનુમાનજી મંદિર નજીક ધરતી ટિમ્બરના ડેલામાં જુગાર રમતા વેપારી મગનભાઇ વેલજીભાઇ પાનસુરીયા, બિલ્ડર નિલેશભાઇ રાઘવભાઇ પાનસુરીયા, ખેડુત અશ્ર્વિનભાઇ મકનભાઇ નાથાણી, અંકુર અકબરી, ધ્રુવીલ ઘેલાભાઇ નાથાણી, નક્સીત શૈલેષભાઇ રામાણી અને સંદિપ જીવણ બડેલીયાની ધરપકડ કરી તેમની પાસેથી રૂા.52,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ બી.આર.ભરવાડ સહિતના સ્ટાફે કાલાવડ રોડ બુલ્સ કાફેના રૂમમાં જુગાર રમતા કાફે સંચાલક રામભાઇ ખુંટી, કેટરર્સના ધંધાર્થી રામભાઇ અજાણી, બોક્સ ક્રિકેટના સંચાલક અંકિત કાનાણી, સ્ટુડિયો સંચાલક વિશાલ પઢીયાર, હાર્દિક સીણોજીયા અને મોહમદઝૈદ ઇરાફનએહમદ પીરઝાદાને ઝડપી તેઓ પાસેથી 16,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
જ્યારે ક્રાઇમ બ્રાંચે જુગારનો દરોડો પાડી અંબિકા ટાઉનસીપ પાસે શ્રી દર્શન વાટીકા ફ્લેટ નં.103માં જુગાર રમતા પ્રસાંત સોંલકી, તબીબી પ્રેક્ટીસ કરતા રાકેશ સાવલીયા, વેપારી દિપ કાંજીયા, જય ભલાણી અને વેપારી વિશાલ ચંદુ વડાલીયાને ઝડપી રૂા.64,350નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.