જનતાને 18 ટકા વ્યાજનો ડામ, કમલમને વેરા માફી?
ત્રણ વર્ષ પહેલાં ઉદ્ઘાટન છતાં હજુ સુધી હાઉસ ટેકસની આકારણી બાકી; કોંગ્રેસે સિલિંગની કરી માગણી
દિવાળી તહેવાર બાદ રાજકોટ મહાનગરપાલિકાએ વેરા શાખાને બાકીદારો પર તુટી પડવા આદેશ આપ્યો છે. મનપાની શાસક પાર્ટી દ્વારા તાજેતરમાં શિતલ પાર્કમાં અદ્યતન પાર્ટી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. જેનો વેરો બાકી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપ સામે તંત્રની આંખ આડા કાન કરવાની નિતી સામે સરકારી તિજોરીને નુકશાન થઇ રહ્યું છે.
મહાનગરપાલિકાની વેરા શાખા કોના ઇશારે આંખ આડા કાન કરી રહી છે તે પણ એક તપાસનો વિષય છે. આ બાબતે યોગ્ય તપાસ કરી અને ભાજપના કમલમ કાર્યાલયનો બાકી વેરાની ઉઘરાણી કરવામાં આવે અને જવાબદાર અધિકારી વિરૂધ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા આકારણી કારપેટ એરિયા મુજબ કરવામાં આવી છે. અને દર વર્ષે વેરો ન ભરપાઈ કરે તેવા મિલકત આસામીઓ સામે 18% જેવું તોતિંગ વ્યાજ વસૂલવામાં પણ આવે છે. અને વેરો ભરપાઈ ન કરે તો સીલિંગ ઝુંબેશ કરવામાં પણ આવે છે. પરંતુ આશ્ચર્યની બાબત તો એ છે કે રાજકોટના વોર્ડ નંબર 2 માં શીતલ પાર્કમાં આવેલ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કમલમ કાર્યાલય તારીખ 23/10/2022 કાર્યરત કરવા છતાં આજ સુધી આ ભાજપ કાર્યાલય ને વેરાબીલ આપવામાં જ નથી આવ્યું એવું જાણવા મળે છે તો આ અંગે જો વેરાબીલની આકારણી થઈ હોય તો મિલકત વેરા આકરણી ના નંબર જાહેર કરો.
રાજકોટ મહાનગરપાલિકાનાં ટીપીની શાખા, બાંધકામ પરવાનગી પ્લાન કોમ્પિટિશન તમામ ડોક્યુમેન્ટ તૈયાર થઈ ફાઈલ બને ત્યારબાદ વેરા વસુલાત શાખામાં આકારણી થાય પરંતુ કમલમ કાર્યાલયમાં આ પ્રકારની કોઈ કામગીરી થઈ હોય એવું અમારી જાણમાં છે નહીં જેથી ટીપી શાખા, બાંધકામ શાખા, વેરા વસુલાત શાખા આ તમામ શાખા અધિકારી ની જવાબદારી ફિક્સ થાય છે. જો વેરા બિલ ની બે વર્ષ સુધી આકારણી જ થઈ નથી.
આ કાર્યાલય અંદાજે 2300 વારની જગ્યામાં આશરે 65000 ચોરસ ફુટ બાંધકામ કરવામાં આવ્યું છે તો તાત્કાલિક આ કાર્યાલયની આકારણી કરી છેલ્લા બે વર્ષના વેરા બિલ અને એના પર લાગેલ 18% વ્યાજ સાથે વસૂલવા અને વેરા બિલ માટે કયા કારણોસર ભાજપની રાજકોટની કમલમ કાર્યાલયને બાકાત રાખવામાં આવેલ છે તેની સ્પષ્ટતા કરો અને આ બાબત જો સત્ય હોય તો જવાબદાર અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ. તેવી માંગણી રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.