લીંબડીમાં બે મકાનમાંથી 17 તોલા સોનું અઢી કિલો ચાંદીના દાગીનાની ચોરી
લીંબડી હાઈવે નજીક આવેલી સોસાયટીઓના 2 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બન્ને મકાનોમાં તાળા તોડી તસ્કરો 17 તોલા સોના અને અઢી કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર મકાન માલિકોએ 10 લાખથી વધુની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ભભા થયા છે. લીંબડી હાઈવે નજીક આવેલી ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત હરેશભાઈ ગોવિંદભાઈ દલવાડી શુક્રવારે મકાનને તાળાં મારી પરિવાર સાથે આણંદ શ્રીમંત પ્રસંગમાં ગયા હતા.
શનિવારે પ્રસંગ પૂર્ણ કરી હરેશભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને જોયું તો મકાનનું તાળુ અને રૂૂમના દરવાજાના નકૂચા તૂટેલા હતા.ઘરવખરી વેર વિખેર હાલતમાં પડી હતી. તિજોરીમાં રાખેલ મંગળસૂત્ર, હાર, કંઠી, વિંટી, કડલી સહિત 11 તોલાથી વધુના સોનાના દાગીના તથા કડા, ઝાંઝરી, પાયલ સહિત 1 કિલો 400 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. તેવી જ રીતે હાઈવે પાસે આવેલી ઉમૈયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ દલવાડી શુક્રવારે પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા.
શનિવારે તેમના પુત્ર યોગેશભાઈએ પિતાને ફોન કરીને જાણ કરી હતી કે મકાનના તાળાં તૂટેલા છે અને ચોરી થઈ હોય એવું લાગે છે.રમણીકભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને તિજોરીમાં રાખેલ પેંડલ સાથેના 4 ચેઈન, બુટ્ટી સહિત સાડા છ તોલાથી વધુના સોનાના દાગીના અને છડા, ફુલ્લ, સિક્કા સહિત 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 50,000 રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. હરેશભાઈ દલવાડીના મકાનમાંથી 4,90,000 રૂૂ.ના સોના, ચાંદીના દાગીના અને રમણીકભાઈ દલવાડીના ઘરમાંથી સોના, ચાંદીનાના દાગીના, રોકડ રકમ મળીને 5,73,500 રૂૂ.ની ચોરી થયાની ફરિયાદ નોંધાતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.