રાજકોટ શહેરની 31 સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાની 158 જનરક્ષક વાન કાર્યરત
હવે 112 ઉપર પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સહિતની સેવાની અમલવારી શરૂ
ગુજરાતમાં આજથી 112 જનરક્ષક પ્રોજેક્ટ દ્વારા આ સંકલિત ઇમરજન્સી સેવા શરુ કરવામાં આવી છે. જેથી એક જ નંબર 112 ડાયલ કરવાથી પોલીસ, ફાયર,એમ્બ્યુલન્સ વિગેરેની જરૂૂરી મદદ ગણતરીની મીનીટોમાં મળી શકશે.રાજકોટ શહેરની 31 સહીત સૌરાષ્ટ્રના પાંચ જીલ્લાની 158 જનરક્ષક વાન આજતી કાર્યરત કરવામાં આવી છે.
રાજકોટ શહેર અને રેન્જમાં જનરક્ષક સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેર અને રાજકોટ રેન્જમાં આવતાં પાંચ જિલ્લામાં કુલ 158 જનરક્ષક વાન ફાળવાઈ છે. જેમાં રાજકોટ શહેર -31, રાજકોટ ગ્રામ્ય- 23, જામનગર - 27, સુરેન્દ્રનગર -40, મોરબી -17 અને દેવભૂમિ દ્વારકા - 20 મળી કુલ 158 જનરક્ષક વાન ફાળવાઈ છે. 112 એ ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ અને ટોલ ફ્રી ઇમર્જન્સી હેલ્પલાઇન છે. જેમાં પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા-બાળ હેલ્પલાઇન જેવી બધા ઇમરજન્સી નંબર 100, 101, 108, 181, 1098, 1070/1077) એક સાથે જોડાયેલ છે.
જે અલગ અલગ ટોલ ફ્રી નંબરો યાદ રાખવા મુશ્કેલી ભરેલ હતા. જેથી 100, 101, 108 વિગરે નંબર રદ કરીને ફક્ત 112 થી જ તમામ ઇમર્જન્સી સેવાઓ મળી રહેશે અને તંત્ર દ્વારા સંબંધિત સેવા પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા-બાળ હેલ્પલાઇન, આપત્તિ વ્યવસ્થાપન તુરતજ મોકલવામાં આવશે. રાજ્ય સરકારએ કુલ 1000 જનરક્ષક પોલીસ વાન તૈયાર કરવામાં આવેલ છે. 112 માં ફોન કરનારનું ચોક્કસ લોકેશન શોધીને નજીકની જનરક્ષક વાનને ઘટના સ્થળ પર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી હવે પછી હદ વિસ્તારની પ્રશ્ન રહેશે નહી અને જનરક્ષક વાન નજીકમાં હશે તેને કોલ આપવામાં આવશે જેના કારણે ઇમરજન્સીમાં તુરત જ મદદ મળી શકશે.