ભંગાર રસ્તાથી અમદાવાદ-મુંબઇ હાઇ-વે પર 15 કિ.મી. ટ્રાફિકજામ
વડોદરા નજીક જાંબુવા બ્રિજ પર ફરી વાહનોના થપ્પા લાગ્યા, એમ્બ્યુલન્સો પણ ફસાઇ, બે કલાક સુધી અટવાયેલા વાહનચાલકોમાં દેકારો
ગુજરાતમા નાના - મોટા તમામ રોડ - રસ્તાઓ ચોમાસાનાં પ્રથમ રાઉન્ડમા જ ભાંગીને ભૂકકો થઇ ગયા હોવાથી વાહન ચાલકો પારાવાર હેરાનગતી ભોગવી રહયા છે જયારે સરકારી તંત્ર રોજે રોજ ખાડા બુરવાની પ્રેસનોટો મોકલી વાહવાહી મેળવવા પ્રયાસો કરી રહયુ છે પરંતુ મોટાભાગનાં હાઇવે ઉ5ર થૂંકનાં સાંધા જેવુ સમાર કામ થયુ હોવાથી વાહન ચાલકોની હાડમારી યથાવત જ રહી છે ભાંગેલા રસ્તાઓનાં કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ યથાવત જ રહી છે બીજી તરફ ‘સરકાર સબ સલામત’ ની વાતો કરી લોકોનુ ધ્યાન ભટકાવવા પ્રયાસો કરી રહી છે ત્યારે ગુજરાતનાં સૌથી વધુ ટ્રાફિકવાળા અમદાવાદ - મુંબઇ હાઇવે ઉપર જાંબુવા નજીક 15 કિલોમિટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોમા ભારે દેકારો મચી જવા પામેલ છે એક જ સ્થળે બે - બે કલાક સુધી વાહનો ફસાયેલા રહયા હતા અને ખૂબજ ધીમી ગતિએ ટ્રાફિક આગળ વધ્યો હતો.
અમદાવાદ - મુંબઇ નેશનલ હાઇવે પર વડોદરા નજીક આવેલ જાંબુવા બ્રિજ પર 15 કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થયો હતો બે કલાકથી વધુ માટે વાહન ચાલકો ફસાયા હતા 15 કિમી વાહનના થપ્પા લાગ્તા એમ્બ્યુલન્સો પણ તેમા અટવાય ગઇ હતી.
હાઇવે પર આવતી એમ્બ્યુલન્સો પણ એક-એક કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલી જોવા મળી. જેના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. આ ઉપરાંત જાંબુવા નદી પરના સાંકડા બ્રિજ પર લોકો જીવના જોખમે ચાલવાના નાના રસ્તા પર વાહનો ચલાવતા અનેક સમસ્યા સર્જાય હતી.
જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે. જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિક જામમાં અટવાઈ જાય છે. આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે. જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિક જામની સમસ્યાથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઇચ્છી રહ્યા છે.
વડોદરા પાસે નેશનલ હાઇવે પર સવાર-સવારમાં 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાયા હતા. અહીં દર વખતે ચોમાસામાં વાહનચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિક મમાં ફસાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્ત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિકજામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી. અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વાહનોની વણજાર લાગતા લોકો પરેશાન થઈ જતા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.