અમદાવાદ-મુંબઇ વચ્ચે સતત ત્રીજા દિવસે 15 કિ.મી.નો ટ્રાફિક જામ
જાંબુઆબ્રિજ ઉપર પડેલા મોટા ખાડાઓના કારણે ટ્રાફિકમાં અવરોધ, પાંચ-પાંચ કલાક સુધી વાહનો ફસાયા
સરકારના આયોજનોનું સુરસુરિયું, મીટિંગ-સીટિંગમાં અપાતી સૂચનાઓનો ઉલાળિયો
ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે નં.48 ઉપર આજે સતત ત્રીજા દિવસે રોડ ઉપર પડેલા ખાડાઓના કારણે 15 કિલો મીટરનો ટ્રાફિક જામ સર્જાતા પાંચ-પાંચ કલાક સુધી વાહનો ફસાયેલા રહ્યા હતા. જાંબુઆબ્રિજ ઉપર મસમોટા ખાડા પડી ગયા હોવાથી વાહનો ખૂબજ ધીમી ગતીએ પસાર થઇ રહ્યા છે. જેના કારણે જાંબુઆબ્રિજથી ઠેઠ પુનિયાદ ગામ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
બે મહત્ત્વના રાજ્યો વચ્ચેનામ કોરિડોર સમાન આ હાઇવે રાજ્યનો સૌથી વધુ ટ્રાફિક ભારણ ધરાવતો હાઇવે છે અને તેના પરથી દરરોજ અંદાજે 60 હજાર જેટલા ફોરવ્હિલ વાહનો પસાર થાય છે. આ હાઇવે પરથી જ સરકારને સૌથી વધુ ટોલટેક્સની આવક થાય છે. પરંતુ વિકાસની વાતો વચ્ચે હાઇવે પર ખાડાઓનો સતત વિકાસ વધી રહ્યો છે. સરકારના મીટિંગ-સિટિંગમાં થતા આયોજનો માત્ર કાગળ ઉપર જ રહી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળે છે.
આ પૂર્વે ગઇકાલે રવિવારે પણ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર બામણગામ,જામ્બુવા અને પોર વિસ્તારમાં ભારે ટ્રાફિકજામની સ્થિતી સર્જાઈ હતી.જેમાં હાઈવે પર વાહનોની 10 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. જેમાં બામણગામ અને જામ્બુવા બ્રિજ પર 1-1 કિમી તથા પોર બ્રિજ પર 8 કિમી જેટલો ટ્રાફિકજામ થયો હતો.
બીજીતરફ વડોદરા નજીક જામ્બુવા બ્રિજ નજીક રોડની પ્રોટેકશન વોલની માટી ધસી પડતા હાલત વધુ જટિલ બની હતી. જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હાલમાં વાહનોને દૂરથી પસાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.અનેક વર્ગના લોકો વારેઘડીએ ઉદભવતી ટ્રાફિકજામની સમસ્યાથી મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તાજેતરમાં જ તંત્ર દ્વારા હાઇવે પર પરિસ્થિતિનો તાગ મેળવી અવારનવાર સર્જાતી ભારે ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે જરૂૂરી સૂચના આપવામાં આવી હતી. જોકે, આ વિવિધ વિભાગો સાથે બોલાવેલી બેઠકનું સુરસુરીયું થવા પામ્યું છે.
હાઇવેના માર્ગોની દયનિય પરિસ્થિતિ આજે પણ છે.મોટા મોટા ખાડાઓને કારણે નેશનલ હાઈવે પર લોકો વાહનો ધીમા ચલાવવા ફરજ પડી રહી છે. જેના કારણે અનેક વખત ટ્રાફિકજામ સર્જાય છે. શાળાએ બાળકોને મુકવા જતા તેમજ વહેલી સવારે નોકરી-ધંધાર્થે જતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ખાસ કરીને તો દર્દીને લેવા જવા તેમજ ઇમર્જન્સી વાહનો પણ ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે.આ ઉપરાંત જામ્બુવા બ્રિજ પર ફરીથી મોટા મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે ટ્રાફિક ધીમો ચાલી રહ્યો છે, જેથી જાંબુઆ બ્રિજ પર પણ ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળી રહ્યા છે. વાહનચાલકો પણ ટ્રાફિકજામથી હેરાન પરેશાન થઈ ગયા છે.