શહેર-જિલ્લાના 15 નાયબ મામલતદારની ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બદલી કરાઇ
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત વાવાઝોડું, પૂર, અને અતિભારે વરસાદ જેવી પરિસ્થિતિઓમાં રાહત અને તકેદારીના પગલાં લેવા માટે રાજકોટ જિલ્લામા 15 ઇમરજન્સી ઓપરેશન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. જે 1 જૂન 2025 થી 30 નવેમ્બર 2025 સુધી કાર્યરત રહેશે. જાહેર નોકરીના હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓની બદલી અને નિમણૂકના આદેશો કલેકટર, રાજકોટ દ્વારા જારી કરવામાં આવ્યા છે.
કલેકટર કચેરી, રાજકોટ દ્વારા બહાર પાડવામાં આવેલ યાદી મુજબ મિનેષકુમાર ડી. ભાવસાર (નાયબ મામલતદાર, કલેકટર કચેરી, રાજકોટ), સરફરાઝ એચ. મલેક (નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, રાજકોટ શહેર પૂર્વ), અને યોગેશકુમાર ડી. સોનપાલ (નાયબ મામલતદાર, જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ) તેમજ શૂભમ ચાવડા (ના. મામલતદાર, ATVT), કિરીટસિંહ ઝાલા (ના. મામલતદાર, રાજકોટ તાલુકા) સહિત 15 નાયબ મામલતદારોને ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બદલીને નિમણૂક આપવામાં આવી છે. આ કર્મચારીઓ તેમનો હાલનો પગાર અને ભથ્થાઓ મેળવશે.