523 સફાઇ કામદારોની ભરતીમાં 15 કરોડનો ભ્રષ્ટાચાર
માથાદીઠ રૂા.3 લાખના ઉઘરાણાનો વશરામ સાગઠિયાનો સનસનાટીભર્યો આક્ષેપ
માતા-પિતા-દાદા-દાદીનો નિયમ રદ ન થાય તો જલદ આંદોલન, તમામ પક્ષોના નેતાઓનો મોરચો
10 હજારથી વધુ સફાઇ કામદારોની જરૂરિયાત સામે માત્ર 4500નું જ સેટઅપ
શહેરમાં આશરે 10 હજારથી વધુ સફાઇ કામદારોની જરૂરીયાત સામે મનપા માત્ર 4500 સફાઇ કામદારો દ્વારા રગળ-ધગળ સફાઇ વ્યવસ્થા ચલાવતી હોવાથી ઠેર ઠેર ગંદકીની સમસ્યા ઉભી થઇ છે. બીજીબાજુ સફાઇ કામદારોની ભરતીમાં મનપાના સંબંધીતોએ રૂા.15 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ સનસનીખેજ આક્ષેપ કર્યો છે.
મનપા દ્વારા સફાઇ કામદારો સાથે અન્યાયી વલણ અખત્યાર કરાતું હોવાના આક્ષેપો સાથે તેમજ સફાઇ કામદારોની પડતર માંગણીઓ પરત્વે રજુઆત બાબતે આજે વશરામ સાગઠીયા અને માજી ધારાસભ્ય સિધ્ધાર્થ પરમારનાં નેજા હેઠળ સફાઇ કામદારોના જુદા જુદા પક્ષોના આગેવાનોએ ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાત લીધી હતી.
આ તકે હાજર રહેલા માજી ધારાસભ્ય સિધ્ધાર્થ પરમાર, વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, દિનેશ પડાયા, માવજીભાઇ રાખશીયા, શૈલેષ પરમાર, પ્રકાશ સોલંકી, રમેશભાઇ સાગઠીયા, કમલેશભાઇ ખેતલીયા, મોહનાઇ રાખશીયા, પ્રકાશ સિંધવ, ગીતાબેન ચૌહાણ, ચેતનાબેન, પારસ બેડીયા, હરેશ પરમાર વિગેરે આક્રોશભેર જણાવ્યું હતું કે સફાઇ કામદાર પરત્વેનું મનપાનું ઓરમાયું વર્તન હવે અસહ્ય બન્યું છે.
પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આગેવાનોએ જણાવ્યું હતું કે, મનપા દ્વારા પાર્ટ ટાઇમ કાયમી સફાઇ કામદારોની ભરતીમાં વિવિધ પ્રશ્ર્નો મુદે અગાઉ 23/7/24, 31/7, 3/8/24 અને 31/8/2024ના મનપાને રજુઆતો કરાઇ છે. પણ તંત્ર દાદ દેતુ નથી.
સફાઇ કામદારોની મુખ્ય 6 માંગણીમાં માતા-પિતા- દાદા-દાદીનો નિયમ રદ કરવો, પાર્ટટાઇમ ભરતીની જગ્યાએ ફુલટાઇપ ભરતી અને પહેલા 5 વર્ષ પગાર ધોરણ રૂા.21500 રાખી બાદમાં કાયમી નિમણુંક, કોન્ટ્રાકટ બેઇઝથી કામગીરી કરતા કામદારોને લઘુતમ વેતન મુજબનું રોજ ચુકવાયું ન હોય, બાકી નીકળતી તફાવતની રકમ બેન્ક ખાતામાં જમા કરાવી સફાઇ કામદારોને પીએફ અને બોનસ અને ઇ.એસ.આઇ. કાર્ડ નથી અપાયા તે આપવા 6 હજાર કાયમી સફાઇ કામદારોની ભરતી કરવાની માંગણીઓનો સમાવેશ થાય છે.
આ માંગણીઓ તાકીદે હલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં તમામ પક્ષના નેતાઓનો મોરચો જલદ આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે. વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ સનસનાટી ભર્યો આક્ષેપ કર્યો હતો કે જે લોકો પાસે પુરા ત્રણેય ટંક ખાવાના ફાંફા છે તેવા સફાઇ કામદારોને નોકરીએ ચડાવવા મનપાના સંબંધીતો રૂા.3 લાખની ઉઘરાણી કરે છે. (બે લાખ પાર્ટી અને એક લાખ વચેટીયા(?) જમી જાય છે. અધુરામાં પુરૂ 10 થી વધુ યુનિયનોવાળા પણ સફાઇ કામદારોનું શોષણ કરે છે ત્યારે આ વાતની તપાસ નવી જરૂરી છે.
સફાઇ કામદારોની વહારે કયા કયા રાજકીય પક્ષો મેદાને?
શોષિત સફાઇ કામદારોની માંગણીઓ હલ કરાવવા અને ઘટતું ન થાય તો આંદોલન છેડી સહકાર આપવા એક છત નીચે જુદાજુદા રાજકીય પક્ષોનો સફાઇ કામદારોને ટેકો મળ્યો છે અને એક સાથે લડત ચલાવશે. તેમાં રાજકોટ કામદાર યુનિયન, બહુજન સમાજ પાર્ટી, વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા, ફાઇટ ફોર ઇકવોલિટી, બહુજન મુક્તિ પાર્ટી તેમજ નેશનલ બહુજન એલાયન્સ સંગઠનના આગેવાનોનો સમાવેશ થાય છે. ત્યારે સફાઇ કામદારોની પડતર માંગણીઓ સ્વિકારાશે કે કેમ? તે સમય જ બતાવશે.
અપૂરતા સફાઇ કામદારોને લીધે ગંદકીનું સ્થપાતું સામ્રાજયસિધ્ધાર્થ પરમાર, વશરામ સાગઠીયાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે દસ હજારથી વધુ સફાઇ કામદારો સામે 4500 કામદારોના સેટ-અપથી શહેરમાં સફાઇ બાબતે એક સાંધે ત્યાં તેર તુટે જેવી હાલત ઉભી થાય છે પરિણામે અનેક વિસ્તારમાં પુરની સફાઇના અભાવે ગંદકીએ માજા મુકી છે. અગાઉ શહેરની વસ્તી આશરે આઠેક લાખ હતી. આજે 22/23 લાખની વસ્તી છે. કોઠારીયા, વાવડી, મવડી, માધાપર જેવા અનેક વિસ્તારો ભર્યા પણ સફાઇ કામદારોનું સ્ટ્રેન્થ વધારવા મનપા અખાડા કરતી હોવાનો બન્ને અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો.