પંચમહાલમાં પુરવઠા નિગમની 141 ક્વિન્ટલ તુવેર દાળના નમૂના ફેલ
પંચમહાલના શહેરમાં અનાજના ગોડાઉનમાં આવેલા 141 ક્વિન્ટલ તુવેર દાળના જથ્થાનો નમૂનો ફેલ આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે તંત્રે કાર્યવાહી કરીને દાળનું વિતરણ ન કરવા જણાવ્યું છે, જ્યારે આ તમામ જથ્થો જે-તે એજન્સીને પરત મોકલવામાં આવશે.
મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલા અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ગત 4 ઑક્ટોબરના 141 ક્વિન્ટલ તુવેરદાળનો જથ્થો સંગ્રહ કરાયો હતો. સંગ્રહ કરાયેલો દાળનો જથ્થો તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં વિતરણ કરવાનો હતો. જોકે, નિયમ મુજબ ગોડાઉનમાં સ્ટોક કરાયેલ દાળનું અધિકારી દ્વારા સેમ્પલ લઈને ગાંધીનગર સ્થિત ફૂડ રિસર્ચ લેબ (FRL) કચેરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો. FRLચેકિંગમાં તુવેર દાળનો નમૂનો ફેલ નીકળ્યો હતો. આ પછી તંત્રએ ગોડાઉનમાંથી આ તુવેર દાળનું વિતરણ ન કરવાની સાથે 141 ક્વિન્ટલ તુવેર દાળના જથ્થાને જે-તે એજન્સીને પરત મોકલવા જણાવ્યું હતું.