મોરબીમાં ઝારખંડના 13 જેટલા શ્રમિકોનો અટકેલો પગાર અપાવી વતન રવાના કરાયા
મોરબીની એક સિરામિક ફેકટરીમાં ઝારખંડના 13 જેટલા શ્રમિકોને ગોંધી રાખવામાં આવ્યા છે તેવી પોસ્ટ ઝારખંડ સીએમ દ્વારા સોશ્યલ મીડિયા પર કરવામાં આવી હતી જે પોસ્ટને પગલે મોરબી પોલીસ સુધી માહિતી પહોંચતા મોરબી તાલુકા પોલીસ ટીમે ફેક્ટરી ખાતે તપાસ ચલાવી હતી જેમાં શ્રમિકોને કોન્ટ્રાકટર પાસેથી પગાર ના મળ્યો હોવાનું ખુલ્યું છે અને ગોંધી રાખ્યાની વાત જેવું કશું હતું જ નહિ ઝારખંડના સિંહભુમ જીલ્લાના બોહારાગઢ અને આસપાસના વિસ્તારના 13 શ્રમિકો મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ એજીલીસ ફેકટરીમાં કામ કરતા હોય જેને પગાર નહિ આપી ગોંધી રાખવામાં આવતા હોવાની સ્થાનિક નેતાએ ઝારખંડ મુખ્યમંત્રી હેમંત સોરેનને જાણ કરી હતી.
અને મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા તુરંત પગલા લેવા સોશ્યલ મીડિયા પોસ્ટ કરવામાં આવી હતી જે બાબત ધ્યાને આવતા મોરબી તાલુકા પોલીસ મથકની ટીમ એજીલીસ ફેકટરીએ તપાસ અર્થે દોડી ગઈ હતી જ્યાં તપાસ કરતા શ્રમિકોને કોન્ટ્રાકટર દ્વારા પગાર નહિ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ઝારખંડના 13 શ્રમિકો અહી કામ કરતા હતા જે તમામ આવ્યાને એક મહિના કરતા ઓછો સમય હતો અને શ્રમિકોને પોતાનો 10 થી 15 દિવસનો પગાર લેવાનો બાકી હતો કોન્ટ્રાકટરને કામ આવી જતા પોતાના વતનમાં ગયો હતો અને પરત આવી પગાર આપી દેવા જણાવ્યું હતું જોકે શ્રમિકો પૈકી કોઈએ ઝારખંડ પોતાના વતનમાં પગાર નહિ આપી ગોંધી રાખ્યાનો મેસેજ આપી દીધો હતો અને સમગ્ર મામલો ગરમાયો હતો શ્રમિકોના પગાર અંગે કોન્ટ્રાકટર સાથે વાત કરી પૈસાની ચુકવણી કરી વતન જવા રવાના કરી દીધા હતા.