રાજ્યના 125 ડેમ હાઇ એલર્ટ પર : 93 ડેમ છલ્લો છલ
સતત પાણીની આવકથી 15 ડેમ વોર્નિગ પર, સરદાર સરોવર 91 ટકા ભરાયો, આજી-1 ડેમ ઓવરફલો, ફોફળ, ન્યારી-2 સહિતના 11 ડેમના દરવાજા ખોલાયા, 10 ગામોને સાવચેત કરાયા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સિઝનનો કુલ સરેરાશ 102% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ અતિભારે વરસાદને કારણે રાજ્યના 206 ડેમમાંથી 125 ડેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે 93 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ ગંભીર છે, તેમજ 20 ડેમ એલર્ટ પર અને 15 ડેમ વોરનીંગ પર મૂકવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના 11થી વધુ ડેમોના પાટીયા ખોલવામાં આવતા હેઠવાસના વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ્સ હજુ પણ યથાવત છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે ભારેથી અતિભારે વરસાદ વરસતા નદીઓ અને ડેમો છલકાઈ રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી છે, અને તેના પરિણામે તંત્ર દ્વારા 125 ડેમોને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. રાજ્યના કુલ 206 જળાશયોમાંથી 125 ડેમ હાઈ એલર્ટ પર છે, જે દર્શાવે છે કે આ ડેમો ભયજનક સપાટીએ પહોંચી ગયા છે. આ ઉપરાંત, 20 ડેમ એલર્ટ પર અને 15 ડેમ વોર્નિંગ પર છે, જેનો અર્થ છે કે આ ડેમોમાં પણ પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. અત્યાર સુધીમાં, 93 ડેમ 100% ભરાઈ ગયા છે, જ્યારે 67 ડેમ 70% થી 100% ની વચ્ચે ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ પણ 91% થી વધુ ભરાઈ ગયો છે.
ડેમોની સ્થિતિ નીચે મુજબ છે
મચ્છુ 1 ડેમ: 100% ભરાયો
શેત્રુંજી ડેમ: 100% ભરાયો
બ્રહ્માણી ડેમ: 97.89% ભરાયો
પાનમ ડેમ: 96.93% ભરાયો
વાત્રક ડેમ: 96.45% ભરાયો
કડાણા ડેમ: 93.58% ભરાયો
ઉકાઈ ડેમ: 85.61% ભરાયો
કરજણ ડેમ: 79.42% ભરાયો
ભારે વરસાદથી 2 નેશનલ હાઇવે સહિત 546 રસ્તા બંધ
સાબરકાંઠા, છોટાઉદેપુરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને વડોદરા-મોરબી-ખેડા-ભરૂચ-મહિસાગરમાં સ્ટેટ હાઇવે બંધ કરાયા; વૈકલ્પિક રૂટ ચાલુ: વલસાડ સૌથી વધુ પ્રભાવિત
રાજ્યમાં સતત સાર્વત્રિક ભારે વરસાદને કારણે માર્ગોને વ્યાપક નુકસાન થયું છે. હાલ કુલ 546 રસ્તા બંધ હાલતમાં છે અને અનેક રસ્તાઓ તૂટી ગયા છે, ઠેર ઠેર મોટા ગાબડાં પડી ગયા છે. આ બંધ રસ્તાઓમાં 2 નેશનલ હાઈવે, 8 સ્ટેટ હાઈવે, 526 પંચાયત માર્ગો અને અન્ય 10 રસ્તાઓનો સમાવેશ થાય છે. આના કારણે રાજ્યભરમાં વાહનવ્યવહાર પર ગંભીર અસર થઈ છે અને નાગરિકોને ભારે અગવડ પડી રહી છે.
વરસાદથી થયેલા નુકસાનમાં મહીસાગર જિલ્લામાં સંતરામપુર નજીક કુડા-માનગઢનો ઢાળવાળો 500 મીટરનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. બંધ પડેલા નેશનલ હાઈવે પૈકી એક સાબરકાંઠા અને બીજો છોટાઉદેપુર જિલ્લામાં છે. જ્યારે 8 સ્ટેટ હાઈવેમાં વડોદરા અને મોરબી જિલ્લાઓના બબ્બે તથા ખેડા, ભરૂૂચ, મહીસાગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓના એક-એક હાઈવેનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે, જ્યાં અનુક્રમે 206 અને 53 રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત, સુરત જિલ્લામાં 41, દાહોદના 30, મહીસાગરના 39, પોરબંદરના 24, વડોદરાના 21, છોટાઉદેપુરના 16, ભરૂૂચના 15 અને તાપી જિલ્લાના 23 રસ્તા બંધ છે. અમદાવાદ જિલ્લામાં એકમાત્ર પંચાયતનો રસ્તો બંધ હોવાનો તંત્રનો દાવો છે.