લીંબડી પાસે ફિલ્મી ઢબે 120 કિલો ચાંદીની લૂંટ
- મોડી રાત્રે ચાંદી ભરેલા પીકઅપ વાન સાથે કાર અથડાવી બે કારમાં આવેલા 7 શખ્સો 90 લાખની ચાંદી લૂંટી નાસી છૂટ્યા, આરોપીઓને પકડવા રાજ્યભરમાં નાકાબંધી
સતત ટ્રાફીકથી ધમધમતા રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી નજીક કાનપર ગામના પાટીયા પાસે મોડીરાત્રે રાજકોટ તરફ આવતી બોલેરો કારને આંતરી બે કારમાં આવેલા સાત જેટલા લુંટારૂઓએ અકસ્માત સર્જી બે શખ્સોને બાનમાં લઈ રૂા.90 લાખની કિંમતની 120 કિલો ચાંદીના પાર્સલની લુંટ ચલાવી પલાયન થઈ ગયાની પોલીસમાં જાહેરાત થતાં સમગ્ર રાજ્યમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, અમદાવાદથી વેપારી પેઢી દ્વારા રાજકોટનાં વેપારીને રૂા.90 લાખની કિંમતની 120 કિલો ચાંદીના 72 જેટલા પાર્સલ મોકલવામાં આવ્યા હતાં. રાત્રિનાં વેપારી પેઢીનાં બે કમર્ચારીઓ બોલેરો કારમાં ચાંદીના પાર્સલ લઈ રાજકોટ આવવા માટે નીકળ્યા હતાં.
દરમિયાન બગોદરા લીંબડી વચ્ચે કાનપર ગામના પાટીયા પાસે બોલેરો કાર પહોંચી ત્યારે પાછળ પીછો કરી રહેલા બલેનો કાર સહિત બે કારમાં આવેલા લુંટારૂઓએ ઈરાદા પૂર્વક બોલેરો સાથે અકસ્માત સજર્યો હતો. અકસ્માત થતાં વેપારી પેઢીના કર્મચારીઓએ પોતાની બોલેરો કાર સાઈડમાં ઉભી રાખી દીધી હતી.મોડીરાત્રિના સાડા બારેક વાગ્યાના અરસામાં બોલેરો કાર ઉભી રહેતાની સાથે જ બે કારમાં આવેલા સાત શખ્સોએ વેપારી પેઢીનાં બન્ને કર્મચારીઓને બાનમાં લઈ હથિયાર બતાવી બોલેરો કારમાં રહેલ રાજકોટના વેપારીના રૂા.90 લાખની કિંમતના 120 કિલો ચાંદીના પાર્સલની દિલધડક લુંટ ચલાવી અંધારામાં ઓગળી ગયા હતાં.
આ બનાવની ભોગ બનનાર વેપારી પેઢીનાં કર્મચારી દ્વારા સૌપ્રથમ તેના શેઠને જાણ કર્યા બાદ સુરેન્દ્રનગર પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પાણશિણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાઘેલા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લુંટ કરી નાસી છુટેલા લુંટારૂઓની બન્ને કારના નંબર મેળવી સ્ટેટ કંટ્રોલરૂમને જાણ કરી રાજ્યભરમાં નાકાબંધી કરાવી દીધી હતી.
લૂંટારુઓ અમદાવાદથી બોલેરો કારનો પીછો કરતાં હતાં
રાજકોટ અમદાવાદ હાઈ-વે લીંબડી નજીક મધરાત્રે રાજકોટ આવતી 120 કિલો ચાંદીના પાર્સલની દિલધડક લુંટ કરવામાં આવી છે ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં અમદાવાદથી ચાંદીના પાર્સલ લઈને નીકળેલ બોલેરો કારનો લુંટારૂઓએ અમદાવાદથી જ પીછો શરૂ કર્યો હતો અને બગોદરા લીંબડી વચ્ચે મોકો મળતાં લુંટને અંજામ આપ્યો હતો. લુંટની ઘટના પૂર્વઆયોજીત હોવાનું બહાર આવતાં પોલીસે જે સ્થળેથી ચાંદીના પાર્સલ રવાના થયા ત્યાંરથી લઈને બગોદરા સુધીના સીસીટીવી ફુટેજ મેળવી તેના આધારે લુંટારૂ ગેંગનું પગેરૂ દબાવ્યું છે.
રાજકોટના અનેક વેપારીના દાગીના લૂંટાયા
સાયલા નજીક જે લૂંટની ઘટના છ મહિના પહેલા બની હતી તેનું હજુ મુખ્ય આરોપી પકડાયો નથી અને તેની કોઈ વસ્તુ પણ પાછી આવી નથી તે સમયે પણ 100 કિલો થી વધુ ની ચાંદીની લૂંટ થઈ હતી પરંતુ આજે ફરી એક વખત કાનપર ગામના પાટિયા પાસે આ જ પ્રકાર ની ઘટના સામે આવી છે અને
જેમાં રાજકોટના અનેક મોટા વેપારીઓના ચાંદી ભરેલા દાગીના ના પાર્સલ હોવાની વિગતો બહાર આવી રહી છે આ સંદર્ભે જે બોલેરો કાર ચાલક છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે આજુબાજુના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે હાઇવે ઉપરના કેમેરાઓ તેમજ અન્ય જે સોર્સ છે તેને કામે લગાડવામાં આવ્યા છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રાજકોટના કુરિયરના વેપારીઓના પાર્સલ હોવાની પ્રાથમિક વિગત બહાર આવી છે..