119 સગીરોએ લગ્ન કરી લીધા, લગ્ન નોંધણી વિભાગે બ્લેક લીસ્ટ કર્યા
ઘરેથી ભાગીને મંદિરમાં ગાંધર્વ વિવાહ કર્યા બાદ મેરેજ માટે થતી અરજીઓને બ્રેક
મહાનગરપાલિકાના મેરેજ રજીસ્ટાર વિભાગમાં આખુ વર્ષ દરમિયાન સતત ટ્રાફિક જોવા મળતો હોય છે. મેરેજ સર્ટીનો ઉપયોગ અન્ય વિભાગોમાં વધતા લગ્ન બાદ તુરંત મેરેજ સર્ટી કઢાવવાનો આગ્રહ નવયુગલો રાખતા હોય છે. પરંતુ છેલ્લા એક વર્ષ દરમિયાન સગીર વયના યુવક યુવતિઓએ લગ્ન કરી મેરેજ રજીસ્ટાર વિભાગમાં અરજી કરતા ઉંમર ઓછી હોવાનું બહાર આવતા વિભાગ દ્વારા આ પ્રકારના 119 કપલોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા ચારમાસમાં જ સૌથી વધુ 29 સગીરોએ લગ્ન કર્યા બાદ મેરેજ સર્ટી માટે અરજી કરી હોવાનું બહાર આવ્યું છે.
મનપાના મેરેજ રજીસ્ટ્રાર વિભાગમાં મેરેજ સર્ટી માટે આવતા મોટા ભાગના યુગલો પારંપારીક રીતે લગ્ન કર્યા બાદ સર્ટી કઢાવા માટે આવતા હોય છે. નિયમ મુજબ યુગલો દ્વારા લગ્નનું સ્થળ તેમજ બન્નેના માતા-પિતાની સંમતિ સહિતના ડોક્યુમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. રજીસ્ટાર ઓફિસમાં આવતા યુગલોએ ક્યા સ્થળે લગ્ન કર્યા તે દર્શાવવુ ફરજિયાત છે. પરંતુ પ્રેમ લગ્ન કરનાર એટલે કે ઘરેથી ભાગીને મંદિરમાં અથવા અન્ય કોઈ સ્થળે લગ્ન કરી લીધા હોય અને ત્યાર બાદ મેરેજ સર્ટીની જરૂરિયાત ઉભી થાય ત્યારે આ પ્રકારના યુગલો દ્વારા મનપાના મેરેજ રજીસ્ટાર વિભાગમાં અરજી કરવામાં આવતી હોય છે. જેના લીધે ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન પ્રથમ પતિ અને પત્નીની ઉંમર ચેક કરવામાં આવે છે.
જેમાં 2024ના એક વર્ષ દરમિયાન 90 યુગલો કે જેની ઉંમર કરતા ઓછી હોવાનું જાણવા મળેલ આ તમામ કિસ્સામાં મોટેભાગે યુવકની ઉંમર ઓછી હોવાનું નોંધવામાં આવ્યું છે. અમુક કિસ્સામાં યુગલોને સંતાન થઈ ગયા બાદ મેરેજ સર્ટી માટે અરજી કરવામાં આવી હતી અને પુછપરછ દરમિયાન તેઓએ અમારી ઉંમર 25 વર્ષથી વધુ છે. તેમ જણાવેલ પરંતુ લગ્ન સમયે તેઓ સગીર હોવાથી આ પ્રકારની તમામ અરજીનો અભ્યાસ કરી 2024ના એક વર્ષ દરમિયાન આવેલ 90 અરજી અને 2025ના એપ્રીલ માસ સુધીમાં આવેલ 29 અરજી અમાન્ય રાખી તમામ કપલોના નામ સાથેના ડોક્યુમેન્ટને સેવ કરી બ્લેક લીસ્ટમાં મુકવામાં આવ્યા છે.
મનપાના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ રાજકોટની હદમાં લગ્ન કરેલા હોય અને મનપાની લગ્ન રજીસ્ટાર કચેરીમાં અરજી કરી હોય તેવા 119 કપલોને અત્યાર સુધી બ્લેક લીસ્ટ કરાયા છે. છતાં અમુક યુગલો દ્વારા ગ્રામ્ય પંચાયતોમાં લગ્ન નોંધણી સર્ટી માટે અરજી કરી પૈસાની લેતી-દેતી કરી મેરેજ સર્ટી કઢાવી લીધાનું જાણવા મળેલ છે. છતાં મનપા દ્વારા બનાવવામાં આવેલ સોફ્ટવેરમાં સગીર વયના યુવક-યુવતિઓએ લગ્ન કરેલા હોય તે માન્ય રહેતા નથી અને આ પ્રકારના યુગલો દ્વારા કરવામાં આવેલ અરજી નામંજુર કરી તેમને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવી રહ્યા છે.
અમુક યુગલો માટે કોર્ટ મેરેજ અશક્ય
મનપાના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ વર્ષ 2024 અને અત્યાર સુધીમાં 119 સગીરોએ લગ્ન કરી મેરેજ સર્ટી માટે અરજી કરેલ જે નામંજુર કરી તમામને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ ઘરેથી માતા-પિતાની મંજુરી વગર નિકળી ગયા બાદ મંદીરમાં અથવા અન્ય સ્થળે ગાધર્વ લગ્ન કરેલા હોય તેમની પાસે લગ્નના પુરાવાઓ હોતા નથી. જેની સામે આ પ્રકારના યુગલોની ઉંમર પુરી હોવા છતાં તેઓ કોર્ટમાં પણ લગ્ન કરી શકતા નથી. કારણ કે, કોર્ટમાં લગ્ન કરવા માટે અખબારમાં જાહેરાત આપવી પડતી હોય છે. જેના લીધે ઘરેથી ભાગીને લગ્ન કરેલા હોય ત્યારે અખબારમાં જાહેરાત આવે તો યુવતિ અને યુવકના માતાપિતાને જાણ થઈ શકે છે. આથી આ પ્રકારના યુગલો પણ ઉંમર પુરી હોવા છતા જરૂરી પુરાવાઓ આપી શકતા નથી જેના લીધે તેમની અરજી નામંજુર કરવામાં આવે છે. આમ અમુક યુગલો માટે કોર્ટ મેરેજ કરવા પણ અશક્ય બન્યા છે.