118 પોલીસ અધિકારીઓને અપાશે સેવા મેડલ
રાજ્યના 118 પોલીસ અધિકારી કર્મચારીઓને આવતીકાલે વિશિષ્ટ સેવા મેડલ તથા પ્રશંસનીય સેવા મેડલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આપવામાં આવતા એવોર્ડ આવતી કાલે કરાઈ એકેડમી ખાતે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં એનાયત કરવામાં આવનાર છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર યાદી અનુસાર રાજ્ય પોલીસબેડામાં ફરજ બજાવતા 118 પોલીસ અધિકારી-કર્મચારીઓને આવતીકાલે ગાંધીનગર સ્થિત કરાઈ એકેડમી ખાતે એવોર્ડ અર્પણ કરવામાં આવનાર છે. જે એવોર્ડ સેરેમનીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેનાર છે.
એવોર્ડ મેળવનાર અધિકારીઓની યાદી પર નજર કરવામાં આવે તો તેમાં રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, વડોદરા પોલીસ કમિશનર નર્સિંમ્હા કોમાર, રાજકોટના તત્કાલીન રેન્જ આઈજી અને હાલ વડોદરા રેન્જ આઇજી તરીકે ફરજ બજાવતા સંદીપસિંઘ, ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર, સુરત રેન્જ આઇજી પ્રેમવીરસિંહ, ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા મહેન્દ્ર ભરાડા સહિતના અધિકારીઓને આવતી કાલે વિશિષ્ટ સેવા અને પ્રશંસની સેવા મેડલથી સન્માનિત કરવામાં આવનાર છે.
ઉપરાંત અમદાવાદ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, સીઆઈડી ક્રાઇમના ડીઆઈ જી પરીક્ષિતા વિજયકુમાર રાઠોડ, વડોદરા એસઆરપી જૂથના રાજેન્દ્ર સિંહ ચુડાસમા, રાજકોટ ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર, એટીએસના ડીઆઈજી કનુભાઈ પટેલ, સુરત ડીસીપી ક્રાઈમ ભાવેશ રોજીયા, વડોદરા જિલ્લા પોલીસ વડા બળવંતસિંહ ચાવડા, કેશોદના એસપીએસ બિપીનભાઈ ઠક્કર, નડિયાદ એસઆરપી જૂથના શશી ભૂષ્ણ શાહ, જામનગર ડીવાય એસ પી રાજેન્દ્ર દેવધા, એસીબીના ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસનીય સેવા અને વિશિષ્ટ સેવા મેડલથી આવતી કાલે ગાંધીનગર સ્થિત કરાઈ એકેડમી ખાતે સન્માનિત કરવામાં આવનાર છે. લો એન્ડ ઓર્ડરના વડા રાજકુમાર પાંડિયન, વડોદરા સીપી નર્સિંમ્હા કોમાર અને રેન્જ આઇજી સંદીપસિંઘ, ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમારને પણ સન્માનિત કરાશે.