રાજ્યની 11 હજાર શાળાઓને બે મહિનામાં ફી અંગે ઓનલાઇન સોંગદનામુ આપવા સૂચના
રાજ્યની પ્રાઇવેટ સ્કૂલોની ફી નક્કી કરવા માટેના કાયદા અંતર્ગત જે સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે તેના કરતાં ઓછી ફી વસૂલનારી સ્કૂલો માટે આગામી 1લી સપ્ટેમ્બરથી ઓનલાઇન એફિડેવિટની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવશે. રાજ્યમાં આવેલી 11 હજાર કરતાં વધારે સ્કૂલોએ બે માસની અંદર અરજીઓ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. જે સ્કૂલોએ વધારે ફી લેવી હોય તેઓએ દરખાસ્ત કરવાની રહેશે. જોકે, 91 ટકા સ્કૂલો એફિડેવિટના ક્ષેત્રમાં આવતી હોવાથી આગામી દિવસોમાં પ્રક્રિયા શરૂૂ કરવામાં આવશે.
પ્રાઇવેટ સ્કૂલોની ફી નક્કી કરવા માટે વર્ષ 2017માં ફી નિર્ધારણનો નવો કાયદાનો અમલ કરવામાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત પ્રાઇવેટ સ્કૂલોને જુદા જુદા ઝોન પ્રમાણે ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ ફી વધારા માટે દરખાસ્ત કરવાની હોય છે. કમિટી દ્વારા દરેક સ્કૂલની ફી ત્રણ વર્ષ માટે નક્કી કરવામાં આવતી હોય છે. મહત્ત્વની વાત એ કે, ફી નિર્ધારણ કાયદામાં કરાયેલી જોગવાઇ અંતર્ગત જે સ્કૂલોએ નિયત કરાયેલી ફી સ્લેબ કરતાં વધારે ફી લેવી હોય તેઓએ દરખાસ્ત કરવાની હોય છે. બીજીબાજુ જે સ્કૂલોએ નિર્ધારિત સ્લેબ કરતાં ઓછી ફી લેવી હોય તેઓએ એફિડેવિટ કરીને આપવાની હોય છે. રાજ્યમાં આવેલી કુલ સ્કૂલો પૈકી 91 ટકા સ્કૂલો વધારે ફી લેવા કરતાં સ્લેબમાં નક્કી કરાયેલી ફી કરતા ઓછી ફી લેવાનું પસંદ કરતી હોવાથી તેઓએ માત્ર એફિડેવિટ જ કરવાની હોય છે. દર વર્ષે સ્કૂલોએ હાર્ડ કોપીમાં એફિડેવિટ આપવી ન પડે તે માટે હવે ઓનલાઇન એફિડેવિટ કરવી તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
શિક્ષણ બોર્ડ દ્વારા દરેક સ્કૂલો કે જેઓે ઓછી ફી વસૂલવા માગે છે તેઓને ઓનલાઇન એફિડેવિટ રજૂ કરવા સૂચના આપી દેવામાં આવી છે. વર્ષ 2026-27ની ફી નક્કી કરવા માટે આગામી 1લી સપ્ટેમ્બરથી એફિડેવિટ સ્વીકારવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે. સ્કૂલોએ એફઆરસી ગુજરાત પોર્ટલ પર આ પ્રક્રિયા કરવાની રહેશે. દરેક સ્કૂલોને 1લી સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર સુધીમાં એફિડેવિટ રજૂ કરવાની રહેશે. જે સ્કૂલોએ સ્લેબ કરતાં વધારે ફી લેવાની છે તેઓએ વધારે ફી માટે દરખાસ્ત કરવાની રહેશે. આ દરખાસ્ત સાથે તમામ પ્રકારના દસ્તાવેજો પણ રજૂ કરવા પડશે. આ તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કઇ સ્કૂલને કેટલી ફી વધારો આપવો તેની સત્તાવાર જાહેરાત ફી કમિટી દ્વારા કરવામાં આવશે.