અ’વાદમાં 1135 કરોડના ખર્ચે 11 સ્પોટર્સ કોમ્પ્લેક્ષ, 27 મેદાન, 48 જિમ બનાવાશે
કોમનવેલ્થ 2030 અને ઓલિમ્પિક 2036ને લઇને વિશાળ સ્પોટર્સ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરાશે; એક સ્પોટ્ર્સ કોમ્પલેક્ષમાં 2000થી 3000 રમતવીરો રહી શકશે
સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી પછી અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સની સત્તાવાર યજમાની મળતા વિકાસની ગતિ વધારે ઝડપથી આગળ વધી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરને સંપૂર્ણ સ્પોર્ટ્સ હબમાં રૂૂપાંતરિત કરવા માટે વિશાળ આયોજન ઉભું કરવામાં આવ્યું છે.
એએમસીએ શહેરના તમામ ઝોનમાં સાથે-સાથે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની યોજનાઓ અમલમાં મૂકી છે. પૂર્વ, ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ઝોનમાં મળીને કુલ 11 નવા કોમ્પ્લેક્સ બને છે, જેમાં માત્ર પશ્ચિમ ઝોનમાં જ ચાર ભવ્ય કોમ્પ્લેક્સ ઉભાં થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ પર કુલ અંદાજિત 1,106 કરોડનો ખર્ચ થવાનો છે, જ્યારે વાસ્ત્રાલમાં વધારાના 52 કરોડ ખર્ચીને વિશેષ સુવિધાવાળું કોમ્પ્લેક્સ ઊભું થશે. શહેરમાં હાલના સ્ટેડિયમ અને એન્ક્લેવ સાથે આ સુવિધાઓ સંકલિત રહેશે.
સ્પોર્ટ્સ સિટી મિશન અંતર્ગત માત્ર કોમ્પ્લેક્સ જ નહીં, પરંતુ રોજિંદા ખેલકૂદને પ્રોત્સાહન મળે તેવી સુવિધાઓ AMCની યોજના હેઠળ ઝડપથી વિકસાઈ રહી છે. વિવિધ વિસ્તારોમાં પહેલેથી હાજર ગ્રાઉન્ડ્સનું અપગ્રેડેશન સાથે 48 જિમ્નેજિયમ, 6 સ્કેટિંગ રિંક, 7 ટેનિસ કોર્ટ અને 5 સ્પોર્ટ્સ સેન્ટર્સનું નેટવર્ક ઉભું થઈ રહ્યું છે. આ સુવિધાઓ CWG પહેલાં અને પછી પણ યુવાનોને રમતગમતની ટેવ વિકસાવવામાં મોખરે રહેશે.
ઝોન પ્રમાણે 5 થી 7 મેદાનોનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં કુલ 27 પ્લે ગ્રાઉન્ડ્સ પર અંદાજિત 29 કરોડનો ખર્ચ થશે. આ માત્ર કોમનવેલ્થ ગેમ્સ માટે નહીં પણ 2036 ઓલિમ્પિક્સ માટેનું ફોરવર્ડ પ્લાનિંગ પણ છે. અમદાવાદ 2030 બ્રાન્ડિંગ સાથે શહેરમાં 15થી 17 રમતો યોજાશે, જેમાં ટી-20 ક્રિકેટની ખાસ ચર્ચા ચાલી રહી છે. વીર સાવરકાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 3,000 એથ્લીટ્સને રહેવા યોગ્ય ખેલ ગામ પણ રચાશે.