દૂધ-શીખંડ-તેલ-ફરાળી લોટ સહિતના 11 નમૂના ફેઈલ
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા છ માસ દરમિયાન લેવામાં આવેલા ખાદ્યપદાર્થના અલગ અલગ સેમ્પલનો લેબ રિપોર્ટ આજરોજ આવતા સેમ્પલો પૈકી 11 નમુના ફેઈલ થવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં દૂધ, શિખંડ, કપાસિયા તેલ, ચણા અને ફરાળી લોટમાં પણ ઘઉના લોટની ભેળસેળ ખુલતા તમામ નેગેટીવ રિપોર્ટનો કેસ એજ્યુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર સમક્ષ ચાલી જતાં નમુના ફેઈલ થયેલ 11 વેપારીઓને રૂા. 7.40 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગ દ્વારા દૂધસાગર રોડ પરથી ચણાનું સેમ્પલ લેવામાં આવેલ જેમાં દાણા સડેલા હોવાનો રિપોર્ટ આવતા દુકાનદારને રૂા. 5 લાખનો દંડ તેમજ લક્ષ્મીનગર મેઈન રોડ ઉપરથી શિખંડનો નમુનો લેવામાં આવેલ જેમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ અને પેઢીના માલીકને રૂા. 1.25 લાખનો દંડ તથા ચૂનારાવાડમાંથી સ્વસ્તિક કપાસિયા તેલનો નમુનો લેવામાં આવેલ જે એક્સપાયરી ડેટ નિકળતા પેઢીના માલીકને રૂા. 1.05 લાખનો દંડ તથા જય અંબે એન્ટરપ્રાઈઝમાંથી લેવામાં આવેલ દિવાબત્તી ઓઈલમાં લેબલ ન હોવાથી પેઢીના માલીકને રૂા. 25 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગ દ્વારા યોગેશ્ર્વર ડેરીમાંથી કેસર શિખંડનો નમુનો લેવામાં આવતા તેમાં પણ ફૂડ કલરની હાજરી જોવા મળતા માલીકને રૂા. 25 હજારનો દંડ તથા ભક્તિનગર ખાતેથી ઘીનું સેમ્પલ લેવામાં આવેલ જેમાં વનસ્પતિ ઘી અને હળદરની મીલાવટ નિકળતા પેઢીના માલીકને રૂા. 25 હજારનો દંડ તથા અંબીકા ટાઉનશીપમાંથી પનીરનો નમુનો લેવામાં આવેલ જેમાં વેજીટેબલ ઘીની મીલાવટ નિકળતા પેઢીને રૂા. 10 હજારનો દંડ તેમજ કોઠારિયા મેઈન રોડ ઉપરથી દૂધનું સેમ્પલ લેવામાં આવેલ તેમાં પણ વેજીટેબલ ફેટની હાજરી નિકળતા માલીકને રૂા. 10 હજારનો દંડ તથા મોરબી રોડ ખાતેથી શુદ્ધ ઘીનો નમુનો લેવામાં આવેલ તેમાં પણ વેજીટેબલ તેલની હાજરી નિકળતા માલીકને રૂા. પાંચ હજારનો દંડ અને મંગળા રોડ ઉપરથી ફરાળી લોટનું સેમ્પલ લેવામાં આવેલ જેમાં ઘઉના લોટની મીલાવટ નિકળતા રૂા. પાંચ હજાર સહિત 11 વેપારીને કુલ રૂા. 7.40 લાખનો દંડ એજ્યુબીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો.