કોંગ્રેસના વધુ 11 ઉમેદવારો જાહેર, રાજકોટમાં સસ્પેન્સ
- અમરેલીમાં જેનીબેન ઠુંમર, જામનગરમાં જે.પી.મારવીયા અને સુરતમાં પાટીદાર આંદોલનના નેતા નિલેશ કુંભાણી ઉપર ખેલશે દાવ
- ગાંધીનગરમાં અમિત શાહ સામે લડશે સોનલબેન પટેલ, સુખરામ રાઠવા, અમિત ચાવડા જેવા મોટા ચહેરાઓને પણ અપાઇ ટિકિટ
- હજુ સાત બેઠકોના ઉમેદવારો જાહેર કરવાના બાકી, અનેક મોટા નેતાઓએ ચૂંટણી લડવામાં પીછેહઠ કરતા સક્ષમ ઉમેદવારોની તંગી
ગુજરાતમાં આગામી તા.7 મે ના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણી માટે ભાજપે 26માંથી 22 અને કોંગ્રેસે બે બેઠક આપને આપ્યા બાદ બાકીની 24 બેઠક માટે અત્યાર સુધીમાં કુલ 17 ઉમેદવારો જાહેર કરી દીધા છે છતા કેટલીક મહત્વની બેઠકો ઉપર હજુ કોકડુ ગુંચવાયેલું છે અને કોંગ્રેસના મોટાગજાના ગણાત્તા નેતાઓ ચૂંટણી લડવાથી ભાગી રહ્યા હોવાથી કેટલીક બેઠકો ઉપર ઉમેદવારો મળી રહ્યા નથી.
અગાઉ કોંગે્રસ 7 ઉમેદવારો જાહેર કરેલ તેમાંથી અમદાવાદ પૂર્વના રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દેતા છ ઉમેદવારો રહ્યા હતા. હવે ગઇકાલે મોડી સાંજે કોંગ્રેસે વધુ 11 ઉમેદવારો જાહેર કરી દીધા છે.
જ્યારે રાજકોટની બેઠક માટે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને ચૂંટણી લડવા કોંગે્રસ હાઇકમાન્ડ દબાણ કરી રહ્યું છે પરંતુ ધાનાણી ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા હોય, રાજકોટ બેઠકનું કોકડુ ગુંચવાયું છે. જો ધાનાણી લડવા તૈયાર નહીં થાય તો આ બેઠક એન.સી.પી.ને પણ ફાળવી દેવામાં આવે તેવી શકયતા છે.
ભાજપનું 4 અને કોંગ્રેસનું 7 બેઠક પર કોકડુ ગુચવાયું
લોકસભા ચૂંટણીને લઈ રાજકીય માહોલ તંગ બન્યો છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ રાજકીય પક્ષોએ કવાયત તેજ કરી દીધી છે. કેટલીક બેઠકો પર ચૂંટણી પ્રચાર જોરોશોરોથી ચાલી રહ્યો છે તો કેટલીક બેઠકો એવી છે જ્યાં રાજકીય પક્ષો ઉમેદવારને લઈ અસમજસમાં મુકાયેલા હોય તેવું જણાઈ રહ્યું છે. ગુજરાતની 26 લોકસભા બેઠકમાં ભાજપે 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસે 18 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પરંતુ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારે ઉમેદવારી પાછી ખેચી છે એટલે 17 નામ જાહેર કરાયેલા છે. ભાજપ 4 બેઠકો પર ઉમેદવારોના નામને લઈ મુઝવણમાં હોય તેવું જણાઈ રહ્યું છે જ્યારે કોંગ્રેસ 7 બેઠક પર કોને ઉમેદવાર તરીકે ઉતારવા તેને લઈ મથામણ કરી રહી છે.
ભાજપનું ચાર બેઠકોને લઈને કોકડુ ગુંચવાયું છે જેમાં મહેસાણા,સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલીનો સમાવેશ થાય છે. ત્યારે કોંગ્રેસમાં મહેસાણા, અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, વડોદરા, નવસારીની બેઠકના ઉમેદવારને લઈને અવઢવમાં મુકાઈ છે.
રાજકોટમાં ધાનાણી નહીં તો કોણ?
સૌરાષ્ટ્રના કેપિટલ ગણાતા રાજકોટની લોકસભા બેઠક ઉપર ભાજપે કદાવર કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલાને ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસ અમરેલીમાં એક સમયે રૂપાલાને હટાવીને જાયન્ટ કિલરનું બિરૂદ મેળવનાર પરેશ ધાનાણીને રાજકોટ બેઠક ઉપર લડાવવા માંગે છે પરંતુ ધાનાણી ચુંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા હોવાથી હવે કોંગ્રેસમાંથી રાજકોટના ઉમેદવાર કોણ હશે? તે અંગે અટકળો શરૂ થઇ છે.રાજકોટમાં ધાનાણી ન લડે તો કોંગ્રેસ દ્વારા વિકલ્પે હિતેશ વોરા, ડો.હેમાંગ વસાવડા, મહેશ રાજપુત, ઇન્દ્રનિલ રાજયગુરૂ સહીતના નામો અપાય છે. પરંતુ ભાજપના કિલ્લા જેવી રાજકોટની બેઠક ઉપર આ ઉમેદવારોને કદાચ ડિપોઝીટ બચાવવાના પણ ફાંફા પડી શકે છે. આમ છતાં કોંગ્રેસ લડે તો ભવિષ્ય માટે સારૂ રહેશે. ઉપરોકત પૈકી કયા ઉમેદવાર ચુંટણી લડવા તૈયાર છે તે કોઇ કહી શકતું નથી. બીજો વિકલ્પ રાજકોટની બેઠક એન.સી.પી.ને ફાળવી દેવાનો છે. રાજકોટમાં કોંગ્રેસમાંથી કોઇ લડવા તૈયાર ન હોવાની ખબર પડતા જ એનસીપીએ કોંગ્રેસના ચંદુ વઘાસીયાને અચાનક જ પ્રદેશ પ્રમુખ બનાવી દઇ રાજકોટની બેઠક માટે તેનું નામ રજુ કરી દીધું છે. ભુતકાળમાં પણ રાજકોટ લોકસભાની બેઠક કોંગ્રેસ એન.સી.પી.ને આપી ચુકયું છે. તે વખતે બળવંત મણવર એનસીપીના ઉમેદવાર હતા.