સિવિલ હોસ્પિટલમાં નિવૃત્તિ બાદ કાર્યરત 11 કર્મચારીઓને ‘ઘર ભેગા’ કરી દેવાયા
રાજકોટ પીડિયું સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર વારંવાર વિવાદમાં ફસાતું રહે છે.સિવિલ હોસ્પિટલમાં નિવૃતિ બાદ પણ 11 કર્મચારીઓ કાર્યરત હોવાની ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચતા આખરે સિવિલ અધિક્ષકના આદેશથી કોન્ટ્રાક્ટર એજન્સીએ વહીવટી અધિકારી સહિતના 11 પેન્શનરોને ફરજમુક્ત કર્યા છે.
સિવિલ હોસ્પીટલમાં છ વર્ષથી વહીવટી અધિકારી નિવૃત થઈ ગયા પેન્શન એજન્સી પાસેથી પગાર પણ મેળવી રહ્યા હતા. એ જ રીતે કોન્ટ્રાક્ટર એમ.જે.સોલંકી એજન્સીએ નિવૃત થયેલા ચાર નર્સિંગ સ્ટાફ, બે ફાર્માસિસ્ટ, બે પટ્ટાવાળા અને બે ક્લાર્કને પણ અગાઉ કરતા થોડા ઓછા પગારે ફરજ પર ચાલુ રાખ્યા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારનો પરિપત્ર છે કે, કોઈ નિવૃત કર્મચારીની સેવા લેવી નહીં અને જેને ખુબ આવશ્યક હોય તો સરકારની મંજૂરી લઈને ધારા-ધોરણ મુજબ જ લેવાના હોસ્પિટલમાં સરકારના પરિપત્ર અને ગાઈડલાઈનનો લાંબા સમયથી ઉલાળિયો થઈ રહ્યો હતો. સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઇ પગલા નહીં ભરાતા છેવટે ગાંધીનગર ફરિયાદ કરવામાં આવી હતી.આખરે સિવિલ સર્જન તરફથી કોન્ટ્રાક્ટર એમ.જે.સોલંકી એજન્સીને તાકિદનો પત્ર લખીને સુચના આપી હતી.
જેના પગલે આખરે તમામ 11 કર્મચારીઓને ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. આ કર્મચારીઓમા મુકત કરેલા ઓમા વહીવટી ડીપાર્ટમેન્ટમા નોકરી કરતા જુનીયર કલાર્ક દેવરાજભાઇ રાઠોડ , સ્ટાફ નર્સ હીતેશભાઇ પારેખ , જીન્નતબેન આબેદા , જયોત્સનાબેન સોનીગ્રા, નીતીનભાઇ ટાંક , નીતીનભાઇ પંડયા અને ફાર્માસીસ્ટ તરીકે મહંમદભાઇ હથીયારી, મયુરકુમાર જાડેજા, સતીષચંદ્ર રાજાણી અને સ્વીપર તરીકે કામ કરતા જીતેન્દ્રભાઇ પરમાર અને જયોત્સનાબેન બાઠીયાનો સમાવેશ થાય છે.